માંડવી-અબડાસા તાલુકામાં ઝાડા-ઊલટીનો ઉપદ્રવ

માંડવી-અબડાસા તાલુકામાં ઝાડા-ઊલટીનો ઉપદ્રવ
દેવેન્દ્ર વ્યાસ દ્વારા - માંડવી, તા. 18 : હૂંફાળા હવામાન માટે મશહૂર આ મહેરામણ પંથકમાં `હીટવેવ'ના હુમલાથી ઝાડા-ઉલ્ટીના કેસોએ ફેણ ચડાવતાં ધોમધખતા તાપમાં તંત્રને દોડતું કરી દીધું છે. માંડવી-અબડાસા તાલુકા કાંઠાળ વિસ્તારો ઉપર પ્રાકૃતિક અસમતુલાએ પંજો પ્રસરાવતાં `આઉટ ડોર પેશન્ટ' (ઓ.પી.ડી.)માં લગભગ બેવડો ઇજાફો થયો હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. શહેરી વિસ્તારમાં ડઝનબંધ ટીમો ઉતારીને `ડોર ટુ ડોર' તપાસ કામગીરીમાં સ્થાનિક તંત્ર જોતરાયું છે. લગ્નગાળો, સામાજિક ઉત્સવ-ઉજવણી અવસરો દરમ્યાન કથિત ખાણી-પીણી, ઠંડા પીણાને રોગચાળા માટે કારણભૂત લેખાવાયા છે. આ દરમ્યાન છેલ્લા બે દિવસોથી નવા કેસોમાં મહદઅંશે કાબૂ આવી ગયો હોવાનું અહીંની ખાનગી હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું. અલગ અલગ વિસ્તારોમાંથી કેસો આવતા હોવાથી રોગચાળો નહીં કહી શકાય તેવો તંત્રે દાવો કર્યો હતો. એકાદ મહિનાથી આ દરિયાઇ શહેર, પંથકમાં ઝાડા-ઉલ્ટી, પેટના રોગીઓના કેસોએ પગપેસારો કરતાં વીતેલા બે સપ્તાહો દરમ્યાન પરિસ્થિતિ પડકારરૂપ-ચિંતાજનક બની. અહીંના ફિઝિશિયન ડો. પરાગ મર્દાનિયાએ આપેલી જાણકારી પ્રમાણે તેમની હોસ્પિટલમાં પંદરેક કેસો અંદરના દર્દી તરીકે દાખલ છે. માંડવી શહેર, ગ્રામ્ય ઉપરાંત અબડાસા તાલુકાના ગામડાઓમાંથી કેસો વધારે નોંધાયા છે. એકલ-દોકલ કિસ્સામાં કિડની ઉપર અસર પહોંચતાં આઇ.સી.યુ. સારવાર અનિવાર્ય બનેલી. દસેક જેટલા સેમ્પલ્સમાંથી બેમાં કોલેરા ડિટેક્ટ થયેલો હતો. અતિશય ગરમીનું મોજું આ માટે નિમિત્ત બન્યું હોવાનું તારણ આગળ કરાયું હતું. ડો. કૌશિક શાહના કહેવા પ્રમાણે ઝાડા-ઉલ્ટીનું પ્રમાણ વધારે છે. સારવારમાં મોડું થાય તો કિડનીને જફા પહોંચી શકે. આ મલ્ટિસ્પેશિયલ હોસ્પિટલમાં બે-ચાર દિવસે એકાદ કેસ આવતો તેને બદલે પ્રતિદિન સરેરાશ 15થી 20 રોગીઓ આવી રહ્યા છે. મસ્કાની એન્કરવાલા હોસ્પિટલના ડો. મૃગેશ બારડે ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડના કેસોને ઋતુજન્ય રોગો તરીકે ઓળખાવતાં આવા રોગોનો ફેલાવો ત્વરાથી થતો હોવાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સરેરાશ 50-60ની ઓ.પી.ડી.માંથી 10-15 દર્દીઓ ઝાડા-ઉલ્ટીના બહાર આવી રહ્યા છે. મસ્કા, બાગ, ગુંદિયાળી વાડી વિસ્તાર, પીપરી, માંડવી વિસ્તાર સહિત લપેટમાં છે. સાર્વત્રિક ગરમીનું મોજું મહત્ત્વનું કારણ છે. આ તાલુકાના હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાને આપેલી વિગતો મુજબ શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં `કલસ્ટર' નથી. ચોક્કસ વિસ્તારોમાંથી નોંધપાત્ર કેસો મળવાને બદલે છૂટક-છૂટક, છૂટાછવાયા કેસો જોતાં `રોગચાળો' કહી શકાય નહીં. તાલુકા હેલ્થ સુપરવાઇઝર ઝવેરીલાલ નાથાણી સાથે શહેરમાં દસેક ટીમો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પચાસેક ટીમો ઘેરઘેર ચકાસણી-તપાસ અર્થે ઉતારવામાં આવી છે. સામાજિક જાગૃતિ, વ્યક્તિગત સતર્કતા આરોગ્યના જતન માટે મહત્ત્વની હોઇ સિનિયર સિટિઝન, સગર્ભાઓ, બાળકોએ વિશેષ તકેદારી રાખવી સલાહભર્યું છે એવી સલાહ આપતાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ઓ.આર.એસ.) પાવડરનું વિતરણ શરૂ કરી દેવાયું હોવાનું તેમણે કહ્યું હતું. અત્રેના નગર સેવા સદનના અધ્યક્ષા હેતલબેન સોનેજી અને મુખ્ય અધિકારી મહેન્દ્રભાઇ સોલંકીએ ઝાડા-ઉલ્ટીના કેસને ગંભીરતાથી લઇને ગટર-પાણી લાઇનોની તપાસણી, કલોરિનેશન કામગીરી, સાવચેતી માટે રિક્ષા મારફતે તકેદારી લેવા નગરજનોને અનુરોધ ઉપરાંત ઓ.એસ. કાનજીભાઇ શિરોખા સાથે ચારેક ખાસ ટીમો ઉતારીને ઠંડા પીણાના ધંધા સ્થળો, લારીઓ, ખાણી-પીણીના સ્થાને નિરીક્ષણ હેઠળ લાવી નમૂનાઓની તપાસણી માટે ફૂડ વિભાગને સહયોગ કરાયો હોવાનો દાવો કર્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા કોઇ પણ સ્થળેથી દૂષિત જળ કે લાઇનો વાટે ભેળસેળની ઘટનાને નકારી કાઢી હતી. તબીબી સાધનો, આરોગ્ય ક્ષેત્રે સુજ્ઞ વર્તુળોમાંથી `નેશનલ હેલ્થ પોર્ટલ'ને ટાંકીને અપાયેલી જાણકારી પ્રમાણે ઝાડા-ઉલ્ટી સંબંધી સમસ્યા દૂર કરવા ઓ.આર.એસ. સુલભ હાથવગો ઇલાજ છે. પાણી, ગ્લુકોઝ, સોડિયમ, પોટેશિયમના સંયોજનવાળો આ પાવડર શરીરમાંથી પાણીનું અવશોષણ તેજ કરે છે. છતાં બનતી ત્વરાએ ઉચિત સારવાર લેવામાં સુસ્તીથી બચવું જોઇએ. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer