ઘઉં ભરીને આવેલા અને અકળાયેલા ટ્રકચાલકોનો ગાંધીધામમાં ચક્કાજામ

ઘઉં ભરીને આવેલા અને અકળાયેલા ટ્રકચાલકોનો ગાંધીધામમાં ચક્કાજામ
ગાંધીધામ, તા. 18 : સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાતાં છેલ્લા 8-10 દિવસથી અન્ય રાજ્યોમાંથી ઘઉં ભરીને આવેલા ટ્રકચાલકો અકળાયા હતા. શહેરની ભાગોળે ધોરીમાર્ગ ઉપર આજે ફરીથી આડસ મૂકીને ચક્કાજામ કરાયો હતો. જેથી ટ્રાફિકજામ થયો હતો. પોલીસે આવીને આ આડસ હટાવી ટ્રાફિકને પૂર્વવત્ કરાવ્યો હતો.દેશમાંથી ઘઉંની નિકાસ ઉપર રાતોરાત પ્રતિબંધ લગાવાતાં તેની અનેક લોકોને અસર પહોંચી હતી. છેલ્લા 8-10 દિવસથી અન્ય રાજ્યમાંથી પોતાની ટ્રકોમાં ઘઉં ભરીને  અહીં આવેલા ટ્રકચાલકોનો વારો ન આવતાં આ લોકો અકળાયા છે. મજૂરી કરતા આ લોકો પાસે હવે ખાવાના પણ પૈસા ન હોવાથી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. બે દિવસ અગાઉ કંડલામાં પણ આ ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો હતો ત્યારે વાતાવરણ તંગ બન્યું હતું પણ પોલીસે બાજી સંભાળી લીધી હતી. આજે સવારે શહેરની ભાગોળે કલ્પતરુ પેટ્રોલપંપ નજીક આ ટ્રકચાલકોએ  ઝાડના થડ વગેરેની આડસ મૂકીને ચક્કાજામ કર્યો હતો, જેના પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ બનાવની પોલીને જાણ થતાં પોલીસ તાબડતોબ અહીં દોડી ગઇ?હતી. આજે પણ થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે આ તમામ આડસ હટાવી લીધી હતી અને ટ્રાફિક વ્યવહારને પૂર્વવત્ કરાવ્યો હતો. આ વેળાએ ઘઉંની નિકાસ અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ ટ્રક ચાલકોએ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer