વાગડના સોમાણીવાંઢ-કુંભારિયા શોકમાં ગરકાવ

રાપર, તા. 18 : મોરબી જિલ્લાના હળવદના મીઠાના કારખાનામાં દિવાલ ધસી પડતાં કાટમાળ તળે દબાઇ જવાથી જે બાળકો સહિત 12 જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ ગઇ તે મૃતકો રાપર તાલુકાના સોમાણી વાંઢ અને કુંભારિયાના વતની હતા. આ બનાવને પગલે આ બંને ગામો સહિત જિલ્લાભરમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. આજે બપોરે બનેલી આ ઘટનામાં સોમાણીવાંઢના કોલી પરિવારના કુમળી વયના બાળક સહિત 6 જણા અને કુંભારિયાના ભરવાડ પરિવારના 3 જણા મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. કીડિયાનગરની બાજુમાં આવેલા સોમાણીવાંઢ ગામનો આ પરિવાર લાંબા અરસાથી હળવદની પેકિંગની કંપનીમાં મજૂરી માટે હતા અને ત્યાં જ રહેતા હતા. વતન ખાતે આવેલા મકાનમાં વાર-તહેવારે કે ચોમાસા પછી ગામમાં આવતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિકે રહેતા સગા સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ?હતી. પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની ભર્યો માહોલ છવાયો હતો. સોમાણીવાંઢના તમામ મૃતકોના અગ્નિસંસ્કાર મોરબી ખાતે જ કરવાના હોવાનું જાણવા મળ્યું હતું. કોળી પરિવારના છ સભ્યોના મોતથી સમાજમાં ભારે અરેરાટી પ્રસરી છે. પરિવારના 9 જણા 12 વર્ષથી હળવદ ખાતે રહેતા હતા. હવે માત્ર ત્રણ જ જણા બચ્યા છે. તાલુકાના કુંભારિયા ગામનો વતની ભરવાડ પરિવાર 25 વર્ષથી મીઠાના કારખાનામાં જ મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ચાર જણાના પરિવારમાં પતિ-પત્ની અને બાળકી મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. જ્યારે કુમળી વયની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. ગરીબ પરિસ્થિતિ ધરાવતા હતભાગી પરિવારનું કુંભારિયામાં કાચું મકાન આવેલું છે. બનાવની જાણ થતાં તેમના પરિવારજનો તેમના ઘરે એકત્ર થયા હતા. તેમના કલ્પાંતથી ગમગીનીભર્યો માહોલ છવાયો હતો. ભરવાડ પરિવારના ત્રણેય મૃતકોની અંતિમવિધિ કુંભારિયા ખાતે કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. હતભાગી મૃતકો મધરાત્રે જાગીને મીઠાની થેલીઓ ભરવાનું કામ કરતા હતા. બનાવની જાણ થતા મૃતકોના સગા-સંબંધીઓ હળવદ ખાતે પહોંચી ગયા હોવાનું હરિભાઈ કોલીએ જણાવ્યું હતું. જડસા, કુંભારિયા, પલાંસવા, ગાગોદરથી સંબંધીઓ હળવદ પહોંચી ગયા હતા. 30 ફૂટ ઊંચી દિવાલ મજૂરો ઉપર કાળનો કોળિયો બની ગઈ હોવાનું હરિભાઈએ ભારે દુ:ખની લાગણી સાથે કહ્યુંં હોવાનું અમારા ભચાઉના પ્રતિનિધિ મનસુખભાઈ ઠક્કરે જણાવ્યું હતું. શ્રમિકોને એક હજાર થેલી જ ભરી પેક કર્યા બાદ મજૂરીના 100 રૂપિયા મળતા હતા સખત મજૂરીના અંતે રૂા. 200થી 300 જેટલી રકમ મળતી હતી. સોમાણી પરિવારના હતભાગી રાજેશ જેરામ કોલી હળવદમાં અન્ય કારખાનામાં નોકરી કરે છે. તેમને રજા હોવાથી સંબંધીઓને મળવા ગયાને કાળનો કોળિયો બની ગયા હતા. પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ હતભાગી શ્રમિક પરિવારો કાળી મજૂરી કરી પેટ પુરતુ કમાઈ શકતા હતા. ત્રણ દાયકાની કાળી મજૂરી બાદ પણ ક્યારેય પાંગર્યા નહીં અને આજે પરિવારે જીવ ગુમાવવાનો વારો આવ્યો. સોમાણીવાંઢના મૃતકોની અંતિમવિધિ હળવદ ખાતે જ કરાઈ હતી.