કંડલાથી વધુ છએક જહાજમાં ઘઉં ભરવા મંજૂરીની વકી

કંડલાથી વધુ છએક જહાજમાં ઘઉં ભરવા મંજૂરીની વકી
ગાંધીધામ, તા, 18 : ગયા શુક્રવારે રાતે અચાનક ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતાં ખાસ તો ગાંધીધામ-કંડલા સંકુલમાં 12થી 16 મેટ્રિક ટન ઘઉંનો ભરાવો થઇ ગયો છે. જેને લઇને સ્થિતિ તંગ બનતાં આજે ડીજીએફટીના એડિશનલ ડીજીએ અહીં આવીને વપરાશકારો, પોલીસ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી તથા કસ્ટમ વગેરેના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રતિબંધને લઇને જેટી ઉપર અટકેલા પાંચ જહાજોમાં ગઇકાલે નિકાસી ઘઉં ભરવા મંજૂરી અપાયા બાદ આજે મળેલી આ બેઠકમાં થયેલી ચર્ચા પછી દરિયામાં આવીને ઊભેલા વધુ છએક જહાજને ઘઉં નિકાસની પરવાનગી મળવા વકી છે. બીજીબાજુ જે માલની એલ.સી. નથી અને કોઇ દસ્તાવેજો હજુ કસ્ટમમાં જમા થયા નથી તેવો માલ (અંદાજે 2000 ટ્રક) પરત મોકલવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એડિશનલ ડીજી આકાશ તનેજા આજે સવારે ડીપીએના બોર્ડ રૂમમાં આવી પહોંચ્યા હતા અને બંધબારણે ટ્રેડ સાથે બેઠક યોજી હતી. તેમણે ઘઉંનો કેટલો જથ્થો ક્યાં ક્યાં પડયો છે ? તેના એજન્ટો કોણ કોણ છે ? કંડલામાં હાલે શું સ્થિતિ છે ? તે સહિતની વિગતો એકત્ર કરી હતી. કંડલા જઇને તેમણે રૂબરૂ ચિતાર પણ નિહાળ્યો હતો. ટ્રેડ સાથેની બેઠકમાં ડીપીએના ઉપાધ્યક્ષ નંદીશ શુકલા, કસ્ટમના એડિશનલ કમિશનર આર. એમ. મીણા, પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડિયા, કાસેઝના જોઇન્ટ કમિશનર સત્યદીપ મહાપાત્ર, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડ, માનદ્દમંત્રી મહેશભાઇ તીર્થાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન ટ્રેડના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કંડલા આસપાસ ઊભેલી અંદાજે 4000 જેટલી ટ્રક પૈકી 1200થી 1500 ટ્રક ખાલી કરવાની જવાબદારી સંબંધિત એજન્ટોએ લીધી હતી પરંતુ તે સિવાયની લગભગ 2000 જેવી ટ્રકને પરત મોકલવા અધિકારીઓએ ભાર મૂક્યો હતો. જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે. સૂત્રોએ કહ્યું હતું કે, હાલે 75 ટકા ગોડાઉનો ઉપરાંત રેલવેની 6 રેક, ચાર હજાર ટ્રક અને ખુલ્લા પ્લોટોમાં ઘઉં ભરેલા છે. આ પૈકી કેટલોક જથ્થો લેવા છએક જહાજ હાલે તુણા આઉટર બોયો ખાતે લાંગરેલા છે. શનિવારે કંડલા-તુણાની જેટીઓ ઉપર લાંગરેલા પાંચ જહાજોને ગઇકાલ સાંજે ઘઉં ભરવાની કસ્ટમે એલ.સી. હોવાથી મંજૂરી આપી છે પરંતુ દરિયામાં ઊભેલા અન્ય છ જહાજ પૈકી અડધા પાસે એલ.સી. છે. આજની બેઠકમાં ચર્ચા બાદ હવે આ છ જહાજને ઘઉં નિકાસની મંજૂરી મળવા શક્યતા ઉજળી બની છે. આમ સંકુલમાં આવી પડેલા 12થી 16 લાખ મેટ્રિક ટન માલમાંથી આ અગિયાર જહાજ ભરાય તો પણ માંડ ત્રણ લાખ ટન માલ નિકાસ થશે. સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે, સરકાર એલ.સી.ને પ્રાથમિક્તા આપી રહી હોવાથી જે માલ કેશ અગેઇન્સ્ટ ડિલિવરી (સીએડી) તળે નિકાસ થવાનો હતો તેને સૌથી વધુ ભોગવવાનો વારો આવ્યો છે. દરમ્યાન ડીજીએફટીએ અહીં આવીને ડીપીએના પ્રશાસનિક ભવનમાં બેઠક લેતાં કેટલાક કસ્ટમ અધિકારીઓને તે ગમ્યું નહોતું અને કચવાટ પણ વ્યક્ત થયો હતો. ડીજીએફટીની આજની બેઠકમાં કંડલા ખાતેની જમીની હકીકત જાણ્યા બાદ હવે કેન્દ્ર કક્ષાએથી કોઇ નવું ફરમાન આવે છે કે નહીં તે તરફ સૌની મીટ મંડાઇ છે. અલબત્ત, વપરાશકારોમાં તો હવે નિકાસની ખાસ છૂટ મળવાની સંભાવના નહીં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer