મહાજનવાડી સમાજ સંગઠન માટેનું કેન્દ્ર

મહાજનવાડી સમાજ સંગઠન માટેનું કેન્દ્ર
ગઢશીશા (તા. માંડવી), તા. 18 : સમાજવાડી એ સમાજને સંગઠિત રાખી સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિનું અવિભાજ્ય અંગ છે તેવું અબડાસા તાલુકાના ખારુઆ ગામે જૈન મહાજનવાડીના લોકાર્પણ પ્રસંગે જણાવાયું હતું. આમ તો અબડાસા તાલુકાના ખારુઆ ગામે જૈન મહાજનની મહાજનવાડી હતી જ પણ ગામના અને કચ્છી જૈન મહાજનના અગ્રણી, શ્રેષ્ઠી મહેન્દ્રભાઇ વેરશી ગડા દ્વારા માતા ભાણબાઇ વેરશી શિવજી ગડાની યાદમાં કાયમી સંભારણા રૂપે ગામમાં જ પ્રવેશતા ભવ્ય મહાજનવાડીનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ વર્તમાન અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા., ઉપાધ્યાય પુણ્યભદ્રસાગરજી મ.સા., હેમચંદ્રસાગરજી મ.સા., હિતવર્ધનસાગરજી મ.સા. તથા સાધ્વી અક્ષયગુણાજી મ.સા.ના સાંનિધ્યમાં નવકાર મંત્રના મંત્રોચ્ચાર સાથે દાતા પરિવાર તથા ખારુઆ જૈન મહાજન દ્વારા કરાયું હતું. આ પ્રસંગે વિવિધ જગ્યાએથી મહાજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જૈનાચાર્ય કલાપ્રભ સાગરજી મ.સા.એ જૈન ધર્મનો મહિમા વર્ણવી ધર્મ પ્રત્યે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. ઉપાધ્યાય પુણ્યભદ્રસાગરજી મ.સા.એ જીવનમાં આરાધના, સાધના, ઉપાસના અને પ્રભાવનાનું મહત્ત્વ સમજાવ્યું હતું. નવકાર મંત્રના ઉપાસક નરેન્દ્રભાઇ નંદુએ પણ સમાજ અને પરોપકાર માટે દાનવૃત્તિનું મહત્ત્વ સમજાવ્યું હતું. બુધવાર તા. 18/5થી 22/5 પાંચ દિવસ નેમિનાથ જિનાલયની 33મી વર્ષગાંઠ મહોત્સવ તથા પંચાન્હિકા મહોત્સવનો પ્રારંભ થતાં ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. મહાજનવાડીના દાતા પરિવારના મોભી મહેન્દ્રભાઇ વેરશી ગડા દ્વારા ગામ તથા સમાજના વિકાસ અને સંગઠન માટે સતત સક્રિય રહેવા તત્પરતા દાખવી હતી. કાર્યક્રમમાં દાતા પરિવારનું ખારુઆ જૈન મહાજન દ્વારા સન્માન કરાયું હતું અને આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમમાં મનોજભાઇ વોરા, મહેન્દ્રભાઈ પાસડ, કિશોરભાઇ હરિયા, હેમંતભાઇ હરિયા, વસંતભાઇ શાહ, રાતાતળાવના મનજી બાપુ, સદ્ભાવના ટ્રસ્ટના વિજયભાઇ, એનિમલ વેલ્ફેર બોર્ડના રાજેશભાઇ, કચ્છ ગ્લોબલના ગોવિંદભાઇ ભાનુશાલી, ભાઇલાલ હંસરાજ દેઢિયા, કાંતિભાઇ મૂળજી શાહ (ચિયાસર), સી.એ. અતુલ દેસાઇ, આર્કિટેક દીપકભાઇ સોની, કોન્ટ્રાક્ટર ગોવિંદભાઇ લીંબાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાતાતળાવ ગૌસેવા તથા વર્ધમાન પરિવાર માટે જીવદયાની પ્રવૃત્તિ  માટે પણ મોટું ફંડ એકત્ર કરાયું હતું. આયોજનમાં પ્રમુખ લક્ષ્મીચંદ કારાણી, નાનજીભાઇ કારાણી, ધનજીભાઇ કારાણી, દિલીપભાઇ શાહ, ચંપકભાઇ નાગડા, ભાણજીભાઇ ગાલા, સુનીલ શાહ, કાંતિલાલ ગડા, કિરણ નાગડા તથા સમગ્ર ટીમ જોડાઇ છે. દાતા પરિવારના કાજલબેન ગડા, વિશાલ ગડા, જીપુના ગડા દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer