સંતવાણીમાં ગૌસેવાર્થે 35 લાખ એકત્ર

સંતવાણીમાં ગૌસેવાર્થે 35 લાખ એકત્ર
મુંદરા, તા. 18 : તાલુકાના સમાઘોઘા ગામે શામરાજપીરના મેળામાં સંતવાણીના કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 35 લાખ ગૌસેવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા. ગામના આસ્થાના પ્રતીક શામરાજ પીરના મેળામાં સંતવાણી તથા પહેડીના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગામની હંમેશાં ચિંતા કરતા સ્વ. પ્રેમજીભાઈ ગાલાને યાદ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. અંદાજે છેલ્લા 100 વર્ષોથી વધારે સમય પહેલાં શરૂ થયેલ પરંપરાને નિભાવતા સમસ્ત ગામમાં મેળાની આવક ગાયોના ઘાસચારા માટે વપરાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ દરમ્યાન કાર્યક્રમ યોજાયા ન હતા. જે આ વર્ષે યોજાતા સમગ્ર ગામમાં બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. સંતવાણી તથા સમૂહપ્રસાદ પહેડીના દાતા સ્વ. વિશનજી હંસરાજ ગાલા હસ્તે જિજ્ઞેશભાઈ, પપ્પુભાઈ પરિવાર રહ્યા હતા. સમાઘોઘા સો પાઈપ જિંદાલ તથા કોન્ટ્રાક્ટરો અને ગામલોકોના સહયોગથી ફાળો તથા ઘોર દ્વારા રૂપિયા 35 લાખ જેવી માતબર રકમ એકત્ર થઈ હતી. કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા, સર્વ સેવા સંઘ-ભુજ, ક.વી.ઓ. જૈન મહાજન ભુજના નવનિયુક્ત પ્રમુખ જિગરભાઈ છેડા, સરપંચ ગંગાબા જાડેજા, રતનભાઈ ગઢવી (ખાખર), હકૂમતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા (ખાખર), ભાવેન્દ્રસિંહ જાડેજા (નવીનાળ), ગજુભા જાડેજા (નવીનાળ), ઈન્દ્રજિતસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભીખુભા રવુભા જાડેજા, દશરથસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણીમાં કલાકારોએ મોડી રાત સુધી જમાવટ કરી હતી. અરવિંદસિંહ જાડેજા, ગિરિશ ગાલા, વિષ્ણુસિંહ સોઢા, વિપુલ મારાજ, જયરાજસિંહ જાડેજા, વિશાલસિંહ વિ.એ જહેમત ઉઠાવી હતી. સંચાલન સમાઘોઘાના યુવા કાર્યકર મુંદરા તા. પં.ના કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer