ભાચુંડાના બિલેશ્વર મંદિરનો પાટોત્સવ ઊજવાયો

કાઠડા (તા. માંડવી), તા. 18 : અબડાસના ભાચુંડાથી બે કિલોમીટર દૂર આવેલાં બિલેશ્વર મહાદેવ મંદિરનો 10 વર્ષ પહેલાં બાબુભાઈ બચુભાઈ ભદ્રા પરિવાર દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મંદિરનો 11મો પાટોત્સવ ધામધૂમથી ઊજવામાં આવ્યો હતો. જેમાં ભાચુંડા, બિટિયારી અને સાધવ ગામો ધુવાબંધ જોડાયા હતા. એક દિવસીય ઉત્સવમાં ભાનુશાલી સમાજના લોકો મુંબઈ અને દેશ પરદેશથી માદરે વતનમાં જોડાયા હતા.સવારે હોમ-હવન, પૂજન -અર્ચન સાથે જલાભિષેક અને ધ્વજારોહણ સાથે મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયા હતા. મંદિરના પરિસરમાં આવેલી સંત ઓધવરામ મહારાજની મૂર્તિ ખંડિત થઈ જતાં આ મૂર્તિ નવી ઊભી કરી અનાવરણ કરવામાં આવી હતી. વિસ્તારની 800 ગાયને ત્રણ દિવસ લીલો ચારો અપાયો હતો. શાત્રી પરસોત્તમ જોશી, મેહુલ જોશી અને રાહુલ જોશી દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન સંતોષભાઈ બાબુલાલ ભદ્રાએ કહ્યંy કે, ભગવાન બિલેશ્વર મહાદેવની જગ્યા જાગતી છે. મનથી માનેલી મનોકામના ભોળાનાથ પૂરી કરે છે. ધાર્મિક કાર્યક્રમમાં મોહનભાઈ ભદ્રા, અશોકભાઈ ભદ્રા, સુરેશભાઈ કટારિયા, જિતેન્દ્રભાઈ ભદ્રા, લહેરીકાન્ત કટારિયા, દોલુભા જાડેજા, પૂજારી નારાણગર ગોસ્વામી, મહેશગર ગોસ્વામી, બિટિયારીના સરપંચ ખુમાનસિંહ જાડેજા, ભાચુંડા સરપંચ કાદરભાઈ મંધરા, ગોપાલ પ્રધાન ભદ્રા, ખીમજીભાઈ ભદ્રા, જયંતીભાઈ મંગે, મયૂરભાઈ અમર, રામજીભાઈ ફુલિયા, નવીનગર ગોસ્વામી, પ્રવીણ ગોસ્વામી, બુધિયાભાઈ ભગત, ભરતસિંહ જાડેજા, સુરુભા જાડેજા, મોહનભાઈ આમર, રામજીભાઈ મંગે, નાનજીભાઈ ભદ્રા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન બુધિયાભાઈ ભગત જયવીર હનુમાનએ કર્યું હતું.