કચ્છનાં 210 સખીમંડળને 2.55 કરોડ ચૂકવાયા

ભુજ, તા. 18 : ભુજ ખાતે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ઉઅઢ-ગછકખ) યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિન્કેજ અન્વયે યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં રૂા. 2.55 કરોડ જિલ્લાના 210 સખીમંડળને અપાયા. એ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છના 6276 સ્વસહાય જૂથોની મહિલા આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી રોજગારી મેળવી રહી છે. આહીર, રબારી, કચ્છી ભરતકામ, અજરખની કામગીરી કે વિવિધ કલાકારીથી કારીગર જ નહીં આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ.બેંક ઓફ બરોડા ભુજના લીડ બેંક મેનેજર એમ. કે. દાસે આ તકે જણાવ્યું હતું કે, કચ્છમાં સક્રિય બેંકોમાં 393 શાખા સખીમંડળો માટે કાર્યરત છે. બેંકની કામગીરીમાં કોઇ સમસ્યા થાય તો અમે સહાય માટે સક્રિય છીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિસ્ટિક્ટ લાઇવલીહૂડ મિશનના ભાવિનભાઇ સેંધાણીએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કેશ ક્રેડિટ લોન કેમ્પ બાબતે વિગતે માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, કચ્છમાં મિશન મંગલમ હેઠળ 6276 સ્વસહાય જૂથ, 74 બેંકસખી, 12 બિઝનેસ કોરસપોન્ડન્ટ છે. રૂા. 64 કરોડ ક્રેડિટ લોન, રૂા. 17 કરોડ રિવોલ્વિંગ ફંડ અને કમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે.શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી રાધાબેન કાપડી અને લક્ષ્મી સખીમંડળના ગરવા કંકુબેને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ મંચસ્થ મહાનુભાવોએ શ્રેષ્ઠ કામગીરી કરનારી પાંચ બેંક સખીને પ્રશસ્તિ પ્રમાણપત્ર અને ક્રેશ ક્રેડિટ લોનના ચેકનું વિતરણ કર્યુ હતું. આભારવિધિ જિલ્લા આજીવિકા મિશન મંગલમના ખુશ્બુબેન ગોસ્વામીએ કરી હતી. તેમજ જિલ્લાના લાભાર્થી અન્ય સખીમંડળોને તાલુકા કાઉન્ટર પરથી પણ મંજૂરી પત્રો અપાયા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આરએસઈટીઆઇ અજીત શર્મા, જીએલપીસીના જનરલ મેનેજર મનોહરાસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, સખીમંડળો, સહાય જૂથની બહેનો, બેંક સખી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.