લીંબાણી પરિવારના જરૂરતમંદોને સહાય આપવા નિર્ણય લેવાયો

વિથોણ (તા. નખત્રાણા), તા. 18 : ભ્રગુ ગોત્રીય લીંબાણી પરિવારે એક જ નિર્ધાર કર્યો છે કે, જરૂરતમંદ પરિવારોને સહાય અને નિયાણીઓને દાન આપવાનું. તાજેતરમાં ઘડાણી ખાતે હરદાસબાપાની 330મી પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભારતભરમાંથી પરિવારજનો ઘડાણી આવ્યા હતા. ઉજવણીના પૂર્વ દિવસે 20 યુગલ દ્વારા યજ્ઞાદિ કાર્યો કરી હવનમાં આહુતિ અપાઈ હતી. પરિવારની વાર્ષિક સભા મળી હતી. જેમાં વિવિધ ચર્ચા કરવામાં આવી હતી. સભામાં મુખ્ય સૂર એવો હતો કે, પરિવારના નિરાધાર લોકોને આર્થિક સહાય અને વર્ષમાં એક વખત લીંબાણી પરિવારની નાની-મોટી નિયાણીઓને દાન-ભેટ આપવી. જરૂર હોય તેવા પરિવારને મેડિકલ સહાય, પશુઓને નીરણ અને મેડિકલ કેમ્પ યોજીને લોકોને મદદરૂપ બનવું તેવું નક્કી થયું હતું. આ વર્ષે પરિવાર દ્વારા 4 લાખથી વધુ રકમ 1100 નિયાણીઓને ભેટરૂપે આપવામાં આવી હતી. પરિવારના વિકાસ માટે દાતાઓ પણ દિલખોલીને દાનનો ધોધ વહેવડાવે છે. દાદાના પટાંગણમાં બનાવવામાં આવેલ નૂતન ભોજનાલયના દાતા સ્વ. ગોવિંદભાઈ પરિવાર (વડોદરા) હસ્તે અત્યાધુનિક ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લીંબાણી પરિવારના પ્રમુખ મોહનભાઈના અધ્યક્ષસ્થાને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહામંત્રી ચીમનભાઈ, મંત્રી વસંતભાઈ, ખજાનચી રતિલાલભાઈ, ઉ.પ્ર. મોહનભાઈ, મણીભાઈ, ગંગારામભાઈ, જીવરાજભાઈ, શાંતિલાલ લીંબાણી, દેવજીભાઈ તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.