તડકાથી બને એટલું દૂર રહેવું

તડકાથી બને એટલું દૂર રહેવું
ભુજ, તા. 18 : હાલે રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે તડકાથી દૂર રહેવા સહિતના  આયુર્વેદ અનુસાર ઉનાળામાં સ્વસ્થ રહેવાના નિર્દેશો કચ્છ જિલ્લા આયુષ અધિકારી દ્વારા સૂચવાયા છે. આહારના નિર્દેશોમાં તરસ અનુસાર કુદરતી ઠંડું થયેલ પાણી, પીણાં પીવા, ફ્રિઝનું ઠંડું પાણી કે બરફ નાખેલું પાણી-પીણાં ન પીવાં,  માટલાના ઠંડા પાણીમાં  થોડી સાકર કે મધ ઉમેરી પીવું, માટલામાં સુગંધી વાળાની પોટલી મૂકવી, ભૂખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો, પ્રવાહીનું પ્રમાણ થોડું વધારે રાખવું, વિવિધ ફળોના શરબત (ઘરે બનાવેલા) સાકર અને મધ ઉમેરીને લેવા (બરફ નાખ્યા  yવગર), સકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુ પ્રમાણેના ફળો લેવા, ગુલકંદનું સેવન કરવું, પચવામાં સરળ અને હળવા હોય તેવા દૂધી, સરગવો, ગલકાં, તુરિયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા, બજારૂ પેકિંગ કરેલા ફ્રૂટના જ્યુસ કે રેડીમેઇડ કોલ્ડડ્રીન્ક્સ ન લેવા,  ઘરે બનાવેલો તાજો શ્રીખંડ લેવો, નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલું પાણી પીવું, ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા, રાઇ, મરચું, મરી, લસણ, ગોળ, રિંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા. ચોખા સાથે ઘી અને દૂધ (ખીર)નું સેવન કરવું. વિહારના નિર્દેશો આપતાં જણાવ્યું કે, તડકો, સીધા ગરમ પવનથી બને એટલું દૂર રહેવું, બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું, ચંદન, સુખડ, સરિવા વગેરેનો લેપ કપાળ અને માથાના ભાગમાં  કરવો, રાત્રે અગાસી કે ધાબા પર સૂવું, ખાસ સુતરાઉ, સફેદ રંગના, હળવા અને સ્વચ્છ વત્રો પહેરવા, તડકામાંથી ઘરે આવીને તરત જ હાથ, પગ, મોં ધોવા નહીં, તરત નહાવું નહીં કે તરત પાણી પીવું નહીં. લુ લાગે તો માથામાં દુ:ખાવો, હૃદયના ધબકાર વધવા, શોષ પડવો, થાક લાગવો, બેભાન થઇ જવું, ચામડી લાલ થઇ?જવી, અશકિત લગાવી, ઝાડા થવા આમાંનું કંઇપણ થઇ શકે તેના ઉપાયો માટે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનાઓમાં લૂ સામે રક્ષણ આપતી દવા લેવી. કાચી કેરીનો બાફલો, કોકમનું શરબત, ખસનું શરબત, વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ધાણાનું પાણી પીવું. ડાયાબિટીસના દર્દીઓએ સાકરના બદલે દેશી જૂના મધનો ઉપયોગ કરવો હિતાવહ છે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી પવન મકરાણીએ જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer