ડોણ પ્રા.શાળાનાં લોકાર્પણનો અવસર બન્યો ગ્રામ ઉત્સવ

કોડાય, તા. 18 : માતૃશ્રી લાછબાઈ શામજી કોરશી છેડાના પુત્ર જયંતભાઈ શામજી છેડાએ ડોણ પ્રાથમિક શાળાનું સંપૂર્ણ નૂતનીકરણ કાર્ય કરાવતાં તેના ઉદ્ઘાટન અને લોકાર્પણનો બે દિવસનો શાળા પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. આયોજન કચ્છ ડોણ મહાજને કર્યું હતું. કાર્યક્રમના પ્રથમ દિવસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું હતું. પ્રભાતફેરી બાદ ડોણ ફુલવાડી ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે `શાળા અમારી તીર્થભૂમિ' વિષય પર હરેશભાઈ ધોળકિયાનું વકતવ્ય યોજાયું હતું. આ પ્રસંગે વી.આર.ટી.આઈ. પ્રકલ્પના ગોરધનભાઈ પટેલ `કવિભાઈ'એ શાળાના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામર ભેટ આપી હતી. લીલાધર માણેક ગડા `અધા' શાળા મુલાકાત લઈ અભિભૂત થયા હતા. લાલ રાંભીયા અને શૈલેષ જાનીની કચ્છી વાદ્યોના સથવારે ડાયરાનું આયોજન થયું હતું. જેમાં 1,00,000ની ઘોર શિક્ષણના હિતાર્થે વાપરવા શાળાને સોંપાઈ હતી. સંધ્યા કાર્યક્રમમાં સૌનું સ્વાગત શાળાના આચાર્ય સૌરભભાઈ છાડવાએ કર્યું હતું. શાળા નૂતનીકરણમાં મુખ્ય કાર્યભાર સંભાળનાર ઈજનેર મનોજ મકદાણી અને કોન્ટેકટર લખુભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રથમ નિર્માણની પ્રેરણા આપનાર ગામના પ્રથમ સરપંચ સ્વ હરીદાસ નંદાનું સન્માનપત્ર તેમના પરિવારને એનાયત કરાયું હતું. નવા સત્રમાં તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપવાની દાતા અમૃતબેન રતિલાલ વેરશી વીરાએ જાહેરાત કરી હતી. ગુણવંતીબેન જયંતીલાલ કલ્યાણજી (મોટા લાયજા) વાળાએ તમામ વિદ્યાર્થીઓને નોટબુકો આપવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીનીઓએ કચ્છી ગરબો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નૃત્ય રજુ કર્યું હતું. મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ-ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લાલ રાંભીયા, જિજ્ઞેશભાઈ માતંગ અને સંધ્યાબેન ઠાકરે કર્યું હતું. આભારવિધિ અલ્પાબેન પટેલે કરી હતી.