ભુજને પ્લાસ્ટિક મુક્ત કરવા કાપડની થેલી વિતરણ કાર્યક્રમનો પ્રારંભ

ભુજને પ્લાસ્ટિક મુક્ત કરવા કાપડની થેલી વિતરણ કાર્યક્રમનો પ્રારંભ
ભુજ, તા. 18 : `કચ્છ એક પહેલ' એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા `મારું શહેર, પ્લાસ્ટિક મુક્ત શહેર'ની નેમથી ભુજ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કાપડની બેગ વિતરણ કાર્યક્રમને કચ્છ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાંસદ શ્રી ચાવડાએ પણ કામગીરી કઇ રીતે કરવામાં આવશે તેની વિગતો મેળવી હતી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપી કામગીરીમાં જરૂર જણાય ત્યાં સહભાગી થવાની નેમ વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા ભુજ શહેરમાં અત્યારે 5000 જેટલી કાપડ બેગનું વિતરણ કરવામાં આવશે અને આ આંકડો 50,000થી 1,00,000 થેલી સુધી લઇ જવાની તૈયારી બતાવી હતી અને આ માટે શેરી ફેરિયાથી લઇને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને દરેક પક્ષના હોદ્દેદારો, પદાધિકારીઓ, નેતાઓના સંપર્ક કરીને શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનમાં જોડવા વિનંતી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. આયોજનમાં જયદીપસિંહ જાડેજા, મનીષ જેઠી, અનિલ છત્રાળા, જયંત ઠક્કર, રમેશ ધુવા, નવુભા જાડેજા અને ભવ્ય જેઠી જોડાયા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer