ગાંધીધામમાં બાળકોને રાષ્ટ્રરક્ષા શિક્ષણ

ગાંધીધામમાં બાળકોને રાષ્ટ્રરક્ષા શિક્ષણ
ગાંધીધામ, તા. 18 : અહીંના આર્ય સમાજ અને આર્યવીર દળ દ્વારા આર્યવીર યોગ  અને ચરિત્ર નિર્માણ સાત દિવસીય શિબિરનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો. ડી.એ.વી. સ્કૂલનાં  પ્રાગણમાં યોજાયેલા કાર્યક્રમમાં પરેડ સાથે અતિથિઓને આવકારવામાં આવ્યા હતા. શિબિરના અધ્યક્ષ  વાચોનિધિ આચાર્યે કહયું હતું કે, આવા શિબિરથી બાળકોને કંઈક નવું જાણવા મળે છે. જે જીવન  ઉપયોગી નીવડે છે. 4 મહિનાથી નિયમિત આર્યવીર દળની નિ:શુલ્ક શાખા ચાલે છે. જેમાં 60  જેટલાં બાળક ભાગ લઈ રહ્યા છે. આગામી તા.23થી 29 મે સુધી આર્યવીરાંગના દળ  શિબિર નું આયોજન કરાશે. સપ્તાહિક શિબિરમાં બાળકોને વ્યાયામ, સૂર્ય અને ભૂમિ,ચંદ્ર નમસ્કાર, જુડો, કરાટે, દંડ -બેઠક, પ્રાણાયામ, લાઠી અને તલવાર ચાલ,સૈનિક શિક્ષણ ,રાષ્ટ્રરક્ષા અને પ્રેમનું  શિક્ષણ અપાયું હતું. આર્યવીર દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મવીરે  જણાવ્યું હતું કે, શરીર સ્વસ્થ રહે તો વિચાર સારા બને જીવનમાં ઉત્સાહ  ભરેલો રહે. નિયમિત વ્યાયામથી શરીર સુડોળ અને મન પ્રફુલ્લિત અને જીવન આનંદમય બને છે. શિબિરાર્થીઓને વિવિધ શ્રેણીમાં પુરસ્કાર અપાયા હતા. અંતમાં બાળકોએ પોતાના અનુભવો વર્ણવી શિબિર દરમ્યાન શીખેલા પાઠ જીવનમાં અમલમાં મૂકવાના સંકલ્પ લીધા હતા. આ વેળાએ સજીવ ખેતી  અને ખેડૂતો જાગૃત્તિ માટે પ્રયત્નશીલ દિપક પટેલ, ઉદયકુમાર ચૌહાણ(મોરબી), હરેશકુમાર તુલસીદાસ, પ્રભાકર(ચેન્નાઈ),  ગુરુદત્ત શર્મા, ખેમચંદજી, ઉન્નીજી ,નરશી સોરઠિયા, યોગેન્દ્રજી, વેદરુચિજી, વિશ્વપ્રિયજી સહિતના હાજર રહ્યા હતા.સંચાલન  પ્રશાંત, વિનય, છત્રપાલસિંહે કર્યું હતું. આયોજનમાં સુરેન્દ્ર - વિદ્યાર્થી, ઈન્દ્રજીત, નરેશ, તેજસ વગેરેએ સહકાર આપ્યો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer