નૌસેના-બીએસએફને ગુનાઉ પાસે વધુ આઠ ચરસનાં પેકેટ મળ્યાં

નૌસેના-બીએસએફને ગુનાઉ પાસે વધુ આઠ ચરસનાં પેકેટ મળ્યાં
દયાપર (તા. લખપત), તા. 18 : કચ્છમાં વારંવાર મોટા જથ્થામાં કે છૂટક ડ્રગ્સ પેકેટ બિનવારસુ મળી રહ્યાં છે, ત્યારે આજે નૌસેના અને બી.એસ.એફ.ની સંયુક્ત પેટ્રોલિંગ દરમ્યાન ગુનાઉથી 10 કિ.મી. અંદરના વિસ્તારમાં દરિયામાં આવતા ઇબ્રાહીમપીર બેટ પરથી આઠ?ચરસનાં પેકેટ મળ્યાં હતાં. પાડોશી નાપાક ઇરાદા  સાથે ડ્રગ્સ હેરફેર અને તેના દ્વારા મોટી કમાણી કરતા મુખ્ય સૂત્રધારો, પેડલરો છેલ્લા એક વર્ષમાં વધુ સક્રિય થયા છે અને કચ્છના લક્કી નાળા- ક્રીકથી લઇ જખૌ સુધી અને ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. દોઢ મહિના પહેલાં નવ ઘૂસણખોર સાથે ચરસનો મોટો જથ્થો દરિયાકાંઠે ઝડપાયો હતો પરંતુ આ મોડસ ઓપરેન્ડી પણ જોવા જેવી છે, જ્યારે પાકિસ્તાનથી આવતા માછીમારી બોટ સ્વાંગમાં આ નાપાક તત્ત્વો ચરસનાં પેકેટ કમાન્ડ બેટ વિસ્તાર, નાળાં વિસ્તારના કાદવ-કીચડ કે ચેરિયાંના આશરે આવા પેકેટ મૂકી જાય છે, તો ક્યાંક તરતા મૂકી દેવાય છે. પાણીની ગતિ તરફ આ પેકેટ ગતિ કરે છે અને પેડલરોને તેની જાણ થઇ જાય છે. ઘણીવાર એકની જગ્યાએ બીજે પહોંચી જતાં ચરસનાં પેકેટ પેટ્રોલિંગ દરમ્યાન દેખાય છે, પરંતુ આ ધંધો કરોડોમાં ચાલતો હોવાનું લાગી રહ્યું છે. 1999માં વિદેશી પિસ્તોલ સાથે કોટેશ્વર ક્રીક પાસે મોટી સંખ્યામાં શત્રો પકડાયા હતા, તો હરામીનાળાથી છેક નરા ડુંગર પાસે પહોંચી જનારા પાકિસ્તાની ઘૂસણખોરો સાથે 22 કિ.ગ્રા. આર.ડી.એક્સ. પકડાયો હતો. સ્થાનિકે મદદ કરનારા પાંચમા કતારિયાઓ હજુય મોજૂદ છે અને તેમની હરકતો પર વોચ રાખવી જરૂરી છે, તો નારાયણ સરોવરથી ગુનાઉ સુધી દરિયાકાંઠે વસતા પરિવારોના રહેઠાણો એવી જગ્યાએ છે જ્યાં તંત્ર માંડ?પહોંચી શકે છે. આવા વિસ્તારોમાં કોઇ પેડલર તો ઊભા નથી થયા ને ? તેની તપાસ થવી જરૂરી છે. રાતોરાત કરોડપતિ થઇ જવાના સપનાં સાથે લખપત તાલુકામાં અમુક લોકોની અચાનક `પ્રગતિ' જોવા જેવી છે. બીજીબાજુ ઊંટ પેટ્રોલિંગ પુન: ચાલુ થાય તે પણ જરૂરી છે. મુધાન અને લખપત ખાતે ઊંટ પેટ્રોલિંગની જૂની વ્યવસ્થા ઘણા સમયથી બંધ છે. સરહદના ગામડાંઓ કે સીમાવર્તી ભૂમિ વિસ્તારોમાં ઊંટ પેટ્રોલિંગ તેજ બનાવાય તે પણ જરૂરી છે. વારંવાર ચરસનાં બિનવારસુ પેકેટ મળે તેને સામાન્ય રીતે ન જોતાં તેનાં મૂળ સુધી પહોંચવાની કોશિશ શા માટે નથી થતી ? તેના મૂળમાં પેડલરો તેને સાથ આપતા લોકો સુધી ખુફિયા એજન્સીઓએ પહોંચવું જરૂરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer