રોમાંચક મેચમાં હાર પછી કોલકાતા બહાર

મુંબઈ, તા. 18 : આઇપીએલની 66મી રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઇટરાઇડર્સને  બે રને હાર આપીને પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની હતી.અંતિમ ક્ષણ સુધીની શ્વાસ અદ્ધર કરતી મેચમાં કોલકાતા ટૂર્નામેન્ટની બહાર ફેંકાઇ ગઈ હતી. લખનૌએ 211 રનનું જીતનું લક્ષ્ય આપ્યા બાદ કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 208 રન કરી શકી હતી. નીતીશ રાણાએ 42, કપ્તાન શ્રેયર ઐય્યરે 50, સેમ બિલિંગે 36 અને રીંકુ સિંઘે 40 રન કરીને આપેલી લડત નિષ્ફળ નીવડી હતી. મોહસીનખાન અને માર્ક્સ સ્ટોઈનિસે 3-3 વિકેટ ખેરવી હતી. મુંબઈમાં સાંજે 7:30થી શરૂ થયેલા મુકાબલામાં લખનૌની ટીમે ટોસ જીતી દાવ લીધા બાદ ર0 ઓવરમાં વિના વિકેટે ર10 રનનો જુમલો ખડકી કોલકાતાને મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. ડી' કોકે 70 દડામાં 10 છગ્ગા, 10 ચોગ્ગાની મદદથી અણનમ 140 અને રાહુલે પ1 દડામાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 68 રન ફટકાર્યા હતા. કપ્તાન કે.એલ. રાહુલ અને વિકેટકીપર બેટર ક્વિન્ટન ડી'કોકની ધુંઆધાર બેટિંગની મદદથી લખનૌએ આઈપીએલના ઈતિહાસમાં પહેલી વિકેટ માટે સૌથી મોટી અણનમ ભાગીદારી નોંધાવી હતી. કેકેઆરના બોલરો વિકેટ માટે તરસી ગયા હતા. એકપણ વિકેટ ગુમાવ્યા વિના તેમણે ર0 ઓવર રમી સ્કોર ર00ને પાર પહોંચાડયો હતો. ડી'કોક 1ર રને રમી રહ્યો હતો ત્યારે આપેલું જીવતદાન કેકેઆરને ભારે પડી ગયું હતું. આ અગાઉના હેવાલ મુજબ, આઈપીએલ લીગ મુકાબલાઓના અંતિમ તબક્કામાં આજે બે વખતની ચેમ્પિયન કોલકાતાની ટીમ હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાશે. લખનૌ સુપર જાયન્ટસે ટોપ-ટૂમાં સ્થાન મેળવવા આજની મેચ જીતવી પડશે. કોલકાતા જો આજની મેચ મોટા અંતરે જીતે તો પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રહેશે. કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ ટીમનો કેકેઆર સામે આ બીજો મુકાબલો છે. અગાઉ 7મેના રોજ પૂણેમાં રમાયેલી મેચ લખનૌએ 7પ રનના મોટા અંતરે જીતી હતી. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની કેકેઆર માટે મુકાબલો આર યા પારનો બની રહેશે. કેકેઆર 13 મેચમાં 6 વિજય સાથે 1ર પોઈન્ટ મેળવી છઠ્ઠા ક્રમે છે. આજની મેચ તે મોટા અંતરે જીતે તો પણ બાકી રહેલી અન્ય 4 મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. 16 પોઈન્ટ હોવાથી લખનૌની ટીમ પ્લેઓફમાં કવોલિફાય કરવા માત્ર એક પગલું દૂર છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer