ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદે લક્ષ્મણ ?
નવી દિલ્હી તા.18 : ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. રાહુલ દ્રવિડના સ્થાને હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની નિયુક્તિ થાય તેવી સંભાવના છે. આઈપીએલ પૂર્ણ થયા બાદ તુરંત ભારત અને દ.આફ્રિકા વચ્ચે 9 જૂનથી ટી-ર0 શ્રેણી રમાવાની છે જેમાં આઈપીએલમાં ઝળકેલા યુવા ખેલાડીઓને તક મળી શકે છે. સૂત્રો અનુસાર, વાત દ્રવિડને હટાવવાની નથી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાની છે કારણ કે ચીફ કોચ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે જવાના છે. દરમિયાન દ.આફ્રિકાની ટીમ ભારતમાં પાંચ મેચની ટી-ર0 શ્રેણી રમવા આવી રહી હોવાથી લક્ષ્મણને ભારતીય યુવા ટીમના કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. એકાદ સપ્તાહમાં આ અંગે જાહેરાત સંભવ છે. ભારતીય ટીમ આગામી બે મહિનામાં બે મહત્ત્વની શ્રેણી રમશે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી યોજાશે તો ઘર આંગણે ટી-ર0 શ્રેણી રમાશે.