માંડવીમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા ઘનિષ્ ઠ પગલાં ભરો
માંડવી, તા. 18 : બંદરીય નગરી માંડવી તેમજ આજુબાજુના વિસ્તારમાં ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટી તથા કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, ખજાનચી ચંદ્રસેન કોટક સહિતે શહેરના તજજ્ઞ ડોક્ટરોને ટાંકીને કહ્યું કે, શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ તથા કોલેરાના કેશ જોવા મળી રહ્યા છે. તો દરેક પરિવારે ખાસ ધ્યાન રાખવાની વાત છે કે, ઘરમાં હાલના સમયમાં પાણી ઉકાળીને પીવું જોઈએ. ચેમ્બરના ટ્રસ્ટીઓએ માંડવી નગરપાલિકાના અધ્યક્ષા હેતલબેન સોનેજીનું વિનંતી સાથે ધ્યાન દોરતાં જણાવ્યું કે, રોગચાળાનું પ્રમાણ વધારે છે. બધી જ હોસ્પિટલો દર્દીઓથી ભરચક છે. તો તેને અટકાવવા સફાઈ પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવે, દવા છંટકાવનું પ્રમાણ વધારવામાં આવે તથા કયાંક પાણી તથા ગટરની પાઈપ લાઈનમાં લીકેજ હોય તો તેને દૂર કરી સમારકામ કરવામાં આવે તો રોગચાળો વધુ ફેલાતો અટકી શકે તેમ છે.