નગરપાલિકાઓને અધિનિયમનું ચુસ્ત પાલન કરવા આદેશ

ભુજ, તા. 18 : શેરી ફેરિયાઓ માટેના સરકારી અધિનિયમની જોગવાઇઓ હોવા છતાં કચ્છના ભુજ, અંજાર અને ગાંધીધામ જેવાં શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થતું હોવા સંદર્ભે નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઇ હતી જેના પડઘા સ્વરૂપે પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા ભુજ, અંજાર, ગાંધીધામ સહિતની રાજકોટ ઝોનની નગરપાલિકાઓને નેશનલ હોકર્સ ફેડરેશનની રજૂઆતને ધ્યાને લઇ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવા લેખિતમાં આદેશ કરાયો હતો. દેશના 28 રાજ્યોના શેરી ફેરિયાઓનાં સંગઠન `નેશનલ હોકર્સ ફેડરેશન' દ્વારા ઉપરોક્ત સંદર્ભે પ્રાદેશિક કમિશનરનું ધ્યાન દોરતાં લેખિતમાં જણાવાયું હતું કે શેરી ફેરિયા અધિનિયમની જોગવાઇઓ મુજબ જ્યાં સુધી દરેક શેરી ફેરિયાઓનો સર્વે પૂરો ન થાય અને દરેક ફેરિયાને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ શેરી ફેરિયાને તેની ધંધા-રોજગારની જગ્યા પરથી હટાવી કે સ્થળાંતરિત ન કરી શકાય તેમજ છૂટી ગયેલા અને નવા શેરી ફેરિયાઓનું રજિસ્ટ્રેશન કરવા દર પાંચ વર્ષે એકવાર સર્વે થવો જોઇએ. અધિનિયમની જોગવાઇઓ છતાં ઉપરોકત શહેરોમાં ફેરિયાઓને ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમની જગ્યા પરથી હટાવવામાં આવ્યા છે તેમજ માલસામાન ઉઠાવી જવા, નુક્સાન પહોંચાડવું જેવી પ્રક્રિયાઓ કરી અધિનિયમની કાયદાકીય જોગવાઇઓ અને ગુજરાત સરકારના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરાય છે.આ પરિસ્થિતિમાં ફેડરેશનની લેખિત રજૂઆતને ધ્યાને લઇ પ્રાદેશિક કમિશનરે રાજકોટ ઝોનની દરેક નગરપાલિકાઓને જોગવાઇઓનું ચુસ્ત પાલન થાય એ સુનિશ્ચિત કરવા લેખિત આદેશ કર્યો છે, જે બદલ ફેડરેશને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer