ગાંધીધામ પાલિકા પ્રમુખની વાઉચર પર સહી લેવાનો આદેશ ભ્રષ્ટ પ્રથા પાડશે
ગાંધીધામ, તા. 18 : અહીંની નગરપાલિકાના પ્રમુખની દરેક ચુકવણા વાઉચર ઉપર સહી લેવા અંગે કચેરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જે ગેરકાયદેસર અને મેલી મુરાદવાળો હોવાનો આક્ષેપ કરાયો હતો. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના ઠરાવ તા. 4/7/2015ની પદ્ધતિથી અહીંની નગરપાલિકામાં બિલોની ચુકવણી કરવામાં આવે છે.આ પદ્ધતિની વિરુદ્ધનો ગેરકાયદેસરનો હાલનો ઓફિસ ઓર્ડર રદ્ કરવા પ્રાદેશિક કમિશ્નર રાજકોટ અને અહીંના મુખ્ય અધિકારીને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ ગત તા. 2/5/2022ના એક કચેરી હુકમ કર્યો હતો જેમાં ચુકવણાના વાઉચર ઉપર પોતાની સહી લેવાનો દુરાગૃહ કરવામાં આવ્યો હતો. આ મેલી મુરાદવાળો, ખોટો, ભ્રષ્ટ પ્રથા પાડનારો હુકમ રદ કરવા વિરોધપક્ષના નેતા સમિપ જોશીએ માગ કરી હતી. આ પ્રથા લાગુ કરવામાં આવશે અને વાઉચરને સહી માટે મોકલવામાં આવશે ત્યારે વ્યવહાર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આથી એવા જ વાઉચર ઉપર સહી કરાશે જે ભ્રષ્ટ પ્રથા પાડશે અથવા પ્રસાદી આગળ ધરશે. આવી પ્રક્રિયા શહેર, નગરપાલિકા અને નિયમોની વિરુદ્ધ હોવાથી અતિ ગંભીર બાબત છે. તથા સરકારની પદ્ધતિને વિરુદ્ધનો આ હુકમ કરાયો છે. જેથી આ કચેરી હુકમ રદ કરવા માંગ કરવામાં આવી હતી.