કંડલા એરપોર્ટ ઉપર સ્ટાફ સહિતની ખૂટતી સુવિધા પૂર્ણ કરવાની માગણી

ગાંધીધામ, તા. 18 : કંડલા એરપોર્ટ ઉપર ખૂટતી સુવિધાઓ પુરી પાડવા મુદે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સમક્ષ રજૂઆત કરી હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે કહયુ હતુ કે કંડલા  એરપોર્ટ  હાલ સારી રીતે  સજજ અને વધુ ઉડાન ભરવા સક્ષમ  હોવા છતાં અપુરતા સ્ટાફ અને સંસાધનોને કારણે 3 શીફટમાં કાર્ય કરી  નવી ફલાઈટ માટે પાત્રતા  ધરાવતી નથી.  ઓથોરીટી દ્વારા તાજેતરમાં  રાત્રિ ઉતરાણ માટે  નાઈટ લેન્ડીંગ 3 આઈ.એફ.આર.(ઈન્સ્ટ્રુમેન્ટ ફલાઈટ રૂલ્સ)ની પધ્ધતિ સંકુલના વિશાળ હવાઈ  ટ્રાફિકને પહોંચી વળવા માટે  અમલમાં  લાવવામાં આવી છે. અલબત અપુરતા સાધનો અને  કર્મચારીની ઘટના કારણે નાછુટકે સ્થાનિક પ્રવાસીઓને  હાલાકી વેઠવી પડે છે. જેની અસર વ્યાપારને પણ થાય છે. મંત્રી મહેશ તિર્થાણીએ  કહયુ હતુ કે એરપોર્ટના ડાયરેકટર સંજીવ મેંધલ સાથે થયેલી  ચર્ચા મુજબ ઓપરેટીંગ સ્ટાફમાં 11ની જરૂરિયાત સામે 3, ફાયર ફાઈટીંગ સ્ટાફમાં 42  સામે 22, સુરક્ષાકર્મી 55ની જગ્યાએ 22, અન્ય સંબંધિત ઓપરેશનલ સ્ટાફમાં 16ની સામે માત્ર 7 જેટલા કર્મચારીઓ સેવા આપી રહયા છે.  હવાઈ પરિવહન ક્ષેત્રે  સ્થાનિકે વિકાસ  કરવામાં આવે તો કચ્છમાં ખરા અર્થમાં વાયબ્રન્ટ થઈ દેશ-દુનિયા સાથે જોડાઈ શકશે. નોંધપાત્ર છે કે, ગાંધીધામ-આદિપુર સંકુલ દેશના બે મહાબંદરથી જોડાયેલા છે. નમક ઉદ્યોગ, એશિયાના સૌથી મોટા ટીમ્બર ઝોન, કાસેઝ, ઈફકો, ઓઈલ યુનિટસ, મોટા એકમોના   વ્યાપારી પ્રવાસ તથા અન્ય પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે.હવાઈ અસુવિધાથી લઈને દેશને આર્થિક નુકસાન સહન કરવુ પડે છે. આ મુદે યોગ્ય કરવા ચેમ્બર દ્વારા અનુરોધ કરાયો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer