માનકૂવા અને ભુજ પોલીસ મથકે દાખલ થયેલા અપહરણ, પોકસો, દુષ્કર્મ કેસમાં આરોપી છૂટયા
ભુજ, તા. 18 : તાલુકાના માનકૂવા પોલીસ મથકમાં વર્ષ 2013માં દાખલ થયેલાં અપહરણ સાથેના બળાત્કારના કેસમાં આરોપી ઉલ્લાસનગર (મહારાષ્ટ્ર)ના અશ્વિન નારાણ સુંદરાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલતે આપ્યો હતો. તો ભુજ એ-ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2019માં દાખલ થયેલા પોકસો ધારા સાથેના બળાત્કાર કેસમાં આરોપી વિશાલ દિનેશ તરાલને પણ નિર્દોષ મુક્ત કરતો ચુકાદો જિલ્લા કોર્ટે આપ્યો હતો. માનકૂવા પોલીસ મથકમાં ઓગષ્ટ-2013માં નોંધાયેલાં અપહરણ સાથેના બળાત્કારના કેસની સુનાવણી ભુજમાં અધિક જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ પી.એસ.ગઢવી સમક્ષ થઇ હતી. ન્યાયાધીશે બંને પક્ષને સાંભળી સાક્ષીઓ અને દસ્તાવેજો તપાસવા સાથે આરોપી નિર્દોષ હોવાનાં તારણ સાથે તેને છોડી મુક્તો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એ.આઇ. કુરેશી અને આશીફઅલી એ. અન્સારી રહ્યા હતાજ્યારે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા પોકસો સાથેના દુષ્કર્મ કેસમાં આઠ સાક્ષી અને 38 દસ્તાવેજી પુરાવા તપાસી ફરિયાદ પક્ષ કેસ સાબિત ન કરી શક્યાનાં તારણ સાથે ભુજના બીજા અધિક સેશન્સ જજ એમ.જે. પરમારની અદાલતે આરોપી ઉલ્લાસનગરના વિશાલ દિનેશને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે હિંમત એન. ડુંગરાણી રહ્યા હતા.- લૂંટ-ફરજ રુકાવટમાં જામીન : તંત્રની કાર્યવાહી માટે ગયેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટુકડી ઉપર હુમલો કરી લૂંટ અને ફરજમાં રુકાવટ સહિતના કિસ્સાને અંજામ આપવાના વાગડ વિસ્તારના કેસમાં આરોપી મુકેશ મોમાયા કોળી, ભદ્રેશ દેશરા કોળી અને જયંતિ બાબુ કોળીને શરતી જામીન અપાયા હતા. ભચાઉ સ્થિત અધિક સેશન્સ જજની કોર્ટે આ આદેશ કર્યો હતો. આરોપીઓના વકીલ તરીકે હિતેન્દ્રાસિંહ બી. વાઘેલા અને નરેન્દ્રાસિંહ બી. જાડેજા રહ્યા હતા. - વીમા કંપની વિરુદ્ધ ચુકાદો : ભુજના વિનોદરાય બી. મહેતા દ્વારા કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ તેમની પત્નીની સારવાર અન્વયે વળતર બાબતે કરેલા દાવામાં ફોરમે તેમની તરફે અને વીમા કંપની ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ સામે ચુકાદો આપ્યો હતો. ફરિયાદી પાસે ભરાવાયેલી રકમ વ્યાજ અને ત્રાસના ખર્ચ સાથે ચૂકવવા આદેશ કરાયો હતો. ફરિયાદીના વકીલ સ્નેહલ કે. અંતાણી રહ્યા હતા.