ગાંધીધામથી મોરબી લઇ જવાતા 1.31 લાખના શરાબ સાથે ત્રણ ઝડપાયા

રાપર, તા. 18 : ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર ભાંગતી રાત્રિના સ્થાનિક પોલીસે કારમાં લઇ જવાતા શરાબના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. ગાંધીધામ સુધી પહોંચી ગયેલો શરાબ અન્યત્ર પહોંચાડવા જતા હતા ત્યારે પોલીસે ખેપને નિષ્ફળ બનાવી હતી. બીજીબાજુ બાન્દ્રાથી ભુજ આવેલી ટ્રેનમાં પણ બીયરના ટિન મળી આવ્યા હતા.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામથી કારમાં શરાબ લવાતો હોવાની બાતમીના આધારે ભચાઉ પોલીસની ટુકડીએ ગત મોડીરાત્રિના અણુશક્તિ કંપની પાસે આડસ મૂકી વોચ ગોઠવી હતી. બાતમી મુજબ વર્ના કાર પસાર થતાં તેને રોકી તપાસ કરાઇ હતી. આરોપીઓ મોહિત સુરેશ પૈજા, પ્રિન્સ વીરેન્દ્ર જીલરિયા અને હરજી હસમુખ વાઘેલાની અટક કરી હતી. કારમાંથી ઓલ સિઝન ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હીસ્કીના 168 નંગ બોટલો, રોયલ ચેલેન્જ ક્લાસીક વ્હીસ્કીની 132 નંગ બોટલો કબજે કરાઇ હતી. ઝડપાયેલા શરાબના જથ્થાની કિંમત રૂા. 1.31 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન રૂા. 50 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન પણ કબજે કરાયા હતા. આરોપીઓની પૂછપરછ દરમ્યાન બહાર આવેલી વિગતો મુજબ શરાબનો જથ્થો કંડલા એરપોર્ટ ખાતેથી ભરી આપવામાં આવ્યો હતો. જી.જે. 03-જે.સી. 9005 નંબરની કાર પણ કબજે કરવામાં આવી હતી. મોરબી તાલુકાના રહેવાસી એવા આરોપીઓ ગાંધીધામથી મોરબી શરાબ લઇ જતા હતા. આ કાર્યવાહી દરમ્યાન આરોપી ગઢવી નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બીજીબાજુ ભુજ રેલવે સ્ટેશને કચ્છ એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચ ટ્રેનમાંથી બીયરના ટીન મળી આવ્યા હતા. રેલવે પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગઇકાલે સવારે બાન્દ્રાથી ભુજ આવેલી ટ્રેનને પીટ લાઇન ઉપર લઇ જવાઇ હતી. રેકની તપાસ ચાલતી હતી. આ દરમ્યાન એસ-4 કોચની સીટ નં. 71ની નીચે સફેદ કલરની થેલી મળી આવી હતી. થેલીમાંથી બીયરના 20 ટીન મળી આવ્યા હતા. પોલીસે થેલીને છૂપાવી કોઇ લેવા આવે છે કે નહીં તેની વોચ ગોઠવી હતી પરંતુ કોઇ આવ્યું ન હતું. પોલીસે બે હજારની કિંમતના ટીન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer