રતનાલ જુગારધામને લઇને અંજારના ચાર પોલીસ કર્મી બદલ્યા

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના રતનાલ ગામમાં ચાલતા જુગારધામ ઉપર એસ.એમ.સી.ની ટીમે સફળ કાર્યવાહી કર્યા બાદ આજે અંજાર પોલીસ મથકના ચાર કર્મીની વાગડના છેવાડાના પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી હતી.રતનાલ ગામમાં રહેતા વેલજી ડુંગરિયાના મકાનમાં એસ.એમ.સી.એ છાપો મારી જુગારધામ ઝડપી પાડયું હતું, જેમાં 7 શખ્સની અટક કરી રોકડા રૂા. 43,150 જપ્ત કરવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડા બાદ અંજાર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના ત્રણ કર્મીની તથા બિટ ઇન્ચાર્જની જવાબદારી બેસાડવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ રતનાલ ચોકીના મૂળ બિટ ઇન્ચાર્જ રજામાં હોવાથી અન્ય કર્મચારીને એક દિવસ માટે તેનો હવાલો આપવામાં આવ્યો હતો. આ એક દિવસના ઇન્ચાર્જની જવાબદારી ફિટ કરાતાં પોલીસ બેડામાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજકુમાર ગુગનરામ આહીર, પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહની ખડીર તથા સંજયકુમાર અમૃતલાલ અને દિગ્વિજયસિંહ મહાવીરસિંહની બાલાસર પોલીસ મથકમાં જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી. આ કર્મીઓની બે-ત્રણ કારણોસર બદલી કરાઇ હોવાનું પણ પોલીસ સાધનોમાંથી જાણવા મળ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer