ગાંધીધામ : મોટા ભાઈને ઘરમાંથી કાઢી મુકાતાં છ જણ સામે ગુનો

ગાંધીધામ, તા. 18 : શહેરના ગણેશનગર, સેકટર-6 વિસ્તારમાં મોટા ભાઈને ઘરમાંથી કાઢી મૂકતાં નાના ભાઈ, તેમની પત્ની, બાળકો સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના સેક્ટર-6માં મકાન નંબર 76માં રહેતા રતન પરબત ચારણે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ કરી હતી. તેઓ આ મકાનમાં રહેતા હતા ત્યારે તેમના પત્ની અને બાદમાં થોડા-થોડા અંતરે બે દીકરાનાં અવસાન થયાં હતાં. આ ફરિયાદીના નાના ભાઈ ખીમજી પરબત,કલાબેન ખીમજી,  વિનોદ ખીમજી,  જબુભાઈ ખીમજી, નરેશ ખીમજી ચારણ તથા દિનેશ છગન મારાજે તું જ્યારથી રહેવા આવ્યો છે ત્યારથી તારી પત્ની અને બાળકોનાં મોત થયાં છે, તું અહીંથી ચાલ્યો જા, તેમ કહી તેમને માર માર્યો હતો. જેથી આ ફરિયાદી પોતાની દીકરીને ત્યાં મણિનગર આદિપુર રહેવા ચાલ્યા ગયા હતા. ફરિયાદી પોતાનું આ મકાન વેચવા કે ભાડે આપવા આવતા ત્યારે પણ આ શખ્સો ડખો કરતા હતા, આ અંગે ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ કોર્ટનો આદેશ થતાં ગઈકાલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer