ભુજમાં જ્વેલર્સ દંપતીએ વેપારીને દયનીય કથની વર્ણવી 22 લાખના નકલી દાગીના પધરાવ્યા

ભુજ, તા. 18 : કોરોના-લોકડાઉનના લીધે ધંધા-રોજગાર ભાંગી પડયા છે અને હાલે દીકરીની પણ તબિયત ખરાબ હોઈ સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોવાનું ભુજના જ્વેલર્સ વેપારી દંપતીએ દયનીય કથની વર્ણવીને વેપારીને ફોસલાવી 27 લાખના દાગીના 22 લાખમાં આપ્યા બાદ આ દાગીના નકલી નીકળતાં અંતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે અને આરોપી પતિની પોલીસે અટક કરી લીધી છે.છેલ્લા છ-સાત માસથી શહેરની સોની બજારમાં ચર્ચાના ચગડોળે ચડેલા આ બનાવમાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેરના છઠ્ઠીબારી રિંગરોડ પર ભાણજી સ્ટ્રીટમાં રહેતા અને નીચે રેડિમેડ કપડાની `રાધે ડ્રેસિસ' નામની દુકાન ચલાવતા સુરેશભાઈ નાનજીભાઈ ભાટિયાએ એ-ડિવિઝન પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. 30/8/2018ના તેમની દુકાનની સામે શિવકૃપા નગરમાં રહેતા નિકુંજભાઈ કિશોરભાઈ સોનીને `ચંદન જ્વેલર્સ' નામના સોના-ચાંદીનો શોરૂમ શરૂ કર્યો હતો. જેના ઉદ્ઘાટનમાં ફરિયાદી ગયા ત્યારથી નિકુંજભાઈના પરિચયમાં આવ્યા હતા. દરમ્યાન ગત તા. 12/5/2021ના નિકુંજભાઈએ ફરિયાદીને તેમની દુકાનમાં બોલાવ્યા ત્યારે નિકુંજભાઈ અને તેમના પત્ની પૂર્વીબેને ફરિયાદીને કહ્યું કે, લોકડાઉનનાં કારણે સોના-ચાંદીના ધંધામાં નુકસાન થયું છે અને ધંધો પડી ભાંગ્યો છે અને હાલે દીકરીની તબિયત ખરાબ હોઈ સારવાર માટે વધુ રૂપિયાની જરૂરિયાત છે અને અમારી પાસે રૂપિયા નથી. જેથી ફરિયાદીને દાગીના બતાવીને કહ્યું કે, આ દાગીનાની બજાર કિંમત રૂા. 27 લાખ થાય છે પણ જો અત્યારે તમે ખરીદો તો આ દાગીના 22 લાખમાં આપી દઈશ. જેથી ફરિયાદી સુરેશભાઈએ વિશ્વાસમાં આવી રોકડા 7 લાખ મિત્ર કિશોરભાઈ ખરાશંકર જોશીની હાજરીમાં આપ્યા હતા. જે બાદ બાકી રહેતા 15 લાખ પૈકી પાંચ-પાંચ લાખ અને ચાર લાખ તથા તા. 9/8/2021ના રૂા. 1 લાખનો ચેક આપ્યો હતો. દાગીના લેતી વખતે કોઈ લખાણ કરાયું ન હતું, જ્યારે સુરેશભાઈએ બિલ માગ્યું ત્યારે દંપતીએ કહ્યું કે, અમારી પાસે હાલ બિલબુક નથી નવી છપાવવા આપી છે, આવ્યા પછી બિલ બનાવી આપીશ.બાદમાં ઓક્ટોબર મહિનામાં સુરેશભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેઓ મિરજાપર રોડ પર આવેલી યુકો બેંકમાં ગોલ્ડ લોન લેવા ગયા ત્યારે નિકુંજભાઈએ આપેલું સોનું બેંકમાં આપતા બેંકવાળાએ કહ્યું કે, આ સોનું તો નકલી છે. જેથી ફરિયાદી તાત્કાલિક નિકુંજભાઈની દુકાને જતા જાણવા મળ્યું કે, તેઓ બે મહિનાથી દુકાન બંધ કરીને ચાલ્યા ગયા છે. તેમજ ઘરે ગયા ત્યારે પૂર્વીબેને કહ્યું કે, અમે તો તમને સાચા દાગીના આપ્યા છે અને તમે ખોટું બોલો છો, તમારા રૂપિયા-પૈસા નહીં મળે. જો બીજીવાર અમારાં ઘરે રૂપિયા લેવા આવશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ. ફરિયાદીને જાણકારી મળી હતી કે, નિકુંજભાઈએ રાજકોટના હિરેનભાઈ શશિકાંત લોઢિયાને પણ આવી રીતે શીશામાં ઉતાર્યો હતો. જેથી ફરિયાદીએ એસ.પી.ને અરજી આપી હતી. જે અનુસંધાને એ-ડિવિઝન પોલીસે સોની દંપતી નિકુંજભાઈ અને પૂર્વિબેન સામે ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને નિકુંજભાઈની અટક કરી લીધી હોવાનું ઈન્ચાર્જ પી.આઈ. શ્રી બારોટે જણાવ્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer