જવાહરનગર : નદીકાંઠેથી યુવાનનો મૃતદેહ મળ્યો
ગાંધીધામ, તા. 18 : તાલુકાના જવાહરનગર (ચુડવા) નજીક નદીકાંઠેથી મૂળ બિહારના શિવનાથ નગીના રામ (ઉ.વ. 41) નામના યુવાનની લાશ મળી આવી હતી. મીઠી રોહરના એસ.એસ. ટિમ્બરમાં કામ કરતો અને રહેનાર આ યુવાન શિવનાથ ગત તા. 16-5ના સવારથી ગુમ હતો. તેના સંબંધીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમ્યાન ગઈકાલે સવારે જવાહરનગર નજીક નદીના કાંઠા પરથી તેની લાશ મળી આવી હતી. શરૂઆતમાં અજાણ્યા પુરુષની લાશ મળી હોવાનું પોલીસે નોંધ્યું હતું અને તેની ઓળખ માટે કાર્યવાહી કરી હતી. તેવામાં આ યુવાનના સંબંધીઓ શોધતાં શોધતાં રામબાગ પહોંચ્યા હતા, ત્યારે તેની ઓળખ બહાર આવી હતી. મીઠી રોહરના ટિમ્બરમાં રહેનારો આ યુવાન બનાવવાળી જગ્યાએ શા માટે ગયો હતો, તેનું મોત કયા કારણોસર થયું હશે ? તે માટે પેનલ ડોકટરોથી પી.એમ. કરાવાયું હતું તથા વિશેરા લઈને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.