સમરસ છાત્રાલય કન્યા કેળવણીને વધુ સક્ષમ બનાવશે

સમરસ છાત્રાલય કન્યા કેળવણીને વધુ સક્ષમ બનાવશે
ભુજ, તા. 14 : સમરસ કન્યા છાત્રાલયની કન્યા કેળવણી ઝુંબેશને વધુ ને વધુ વેગ મળશે તેવા આશાવાદ સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અન્ય સમાજોને રાહ ચીંધવા માટે પથદર્શક બનશે તેવું ભુજ તાલુકાના મિરજાપર ખાતે ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરતાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલે જણાવ્યું હતું. છાત્રાલયની સાથે ડો. આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું હતું. મિરજાપરના બસ સ્ટેશન સામે અનુસૂચિત જાતિ સહિત દરેક સમાજની કન્યાઓ અભ્યાસ હેતુ રહેવા માટેની કોઇ અગવડતા ન વેઠવી પડે તે માટે સમાજ નવનિર્માણ ટ્રસ્ટે 200 છાત્રાઓ રહી શકે તેવા છાત્રાલયનું નિર્માણ કરાયું જેના લોકાર્પણના અવસરે આયોજિત કાર્યક્રમને સંબોધતાં પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલે સાંસદ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ ચાવડાની કામગીરીને શબ્દોથી નવાજતાં કહ્યું કે, તેમણે નાની ઉંમરે રાજકીયની સાથે સામાજિક ક્ષેત્રે કરેલી કામગીરી ખરા અર્થમાં પથદર્શક છે. સી.આર. પાટિલે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિવિધ યોજનાનો લાભ તમામ દિવ્યાંગો સુધી પહોંચે તે માટે આવી સંસ્થાઓ સાચા અર્થમાં સેતુ બનવાનું કાર્ય કરી રહી છે. ડો.બાબાસાહેબ આંબેડકરે બંધારણની રચના ખૂબ દૂરંદેશી દાખવી કર્યાનું કહી કટોકટીના કાળમાં આ બંધારણના લીધે જ  સરમુખત્યારશાહી ટકી શકી નથી એવો ઉલ્લેખ કરી આ ટ્રસ્ટની 200 કામોની યાદી સાથે ભીમરત્ન સમરસ  છાત્રાલયમાં કન્યાઓને સાચા અર્થમાં સુરક્ષાનો ભાવ થશે અને માળખાંકીય સુવિધાઓના કારણે સંતોષ થશે તેમ કહ્યું હતું.શ્રી પાટિલે સમારોહમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને દિવ્યાંગોના આર્થિક ઉપાર્જન માટે મદદરૂપ બનવા માટે સહયોગી બનવા આહ્વાન કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે સમાજ નવનિર્માણ ટ્રસ્ટના આ આયોજનને બિરદાવી દિવ્યાંગ ઉત્કર્ષ યોજનાનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તેવા કાર્યો કરવા ઉપસ્થિતોને  અપીલ કરી હતી. આરંભે સમાજ નવનિર્માણ?ટ્રસ્ટના પ્રમુખ?અને સાંસદ વિનોદ ચાવડાએ  2012માં સ્થપાયેલી આ ટ્રસ્ટની કામગીરીનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો. શ્રી ચાવડાએ કહ્યું કે, 2012માં 25થી 30 યુવાને  બનાવેલું ટ્રસ્ટ આજે વટવૃક્ષ બની ગયું છે.2015માં કુમાર છાત્રાલયના ઉદ્ઘાટન પછી કન્યા છાત્રાલય નિર્માણનું સપનું હવે સાકાર થયું છે, તેનો આ તકે આનંદ છે.કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની નોટબુકતુલા કરવામાં આવી હતી. આ તમામ નોટબુકો ટ્રસ્ટ દ્વારા ગરીબ-વંચિત સમુદાયના બાળકોને આપવામં આવશે. દિવ્યાંગોને સાધન સહાય સાથે 75 ગામના કુપોષિત બાળકોને સુપોષિત કરવા ખાસ કિટ આપવામાં આવી હતી. શ્રી પાટિલના હસ્તે બિલ્ડિંગના મુખ્ય દાતા વિશ્રામ જાદવા વરસાણી, દિપેશભાઇ શ્રોફ, નિખિલ જોશી સહિત અન્ય દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ છાત્રાલયના નિર્માણમાં વિવિધ ઉદ્યોગ જૂથોનો સહકાર મળ્યાનો વિશેષ ઉલ્લેખ કરાયો હતો. કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ રેલવેમંત્રી દિનેશ ત્રિવેદી, ધારાસભ્યો વાસણભાઇ આહીર, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, જિ. પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભાજપ પ્રભારી હિતેશ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, દિલીપ દેશમુખ, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, પંકજભાઇ મહેતા, ત્રિકમ છાંગા, અરજણ રબારી,  કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ, જાગૃતિબેન શાહ, કેશવજી રોશિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સભ્યોએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેશ્માબેન ઝવેરી, આભારવિધિ અરવિંદ લેઉઆએ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer