કલાકારના આપત્તિજનક ઉચ્ચારણ સામે ઉઠયો વિરોધનો વંટોળ

કલાકારના આપત્તિજનક ઉચ્ચારણ સામે ઉઠયો વિરોધનો વંટોળ
ભુજ, તા. 14 : સાંસદ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા કન્યા છાત્રાલયના લોકાર્પણ સમયે અનુસૂચિત જાતિની લાગણીને ઠેસ પહોંચે એવા એક કલાકારના કથિત ઉચ્ચારણોથી વિરોધનો વંટોળ ઉઠયો છે. સમજાવટ-સમાધાનના વ્યાપક પ્રયાસો વિફળ નિવડતાં અંતે આ મામલો કાયદાના દ્વારે પહોંચ્યો હતો. અલબત્ત રાત્રિના 10.30 વાગ્યા સુધી વિધિવત ગુનો નોંધાયો નથી.છાત્રાલયના લોકાર્પણ અવસરે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકાર યોગેશ બોક્ષાએ અનુસૂચિત જાતિની લાગણીને ઠેસ પહોંચે તેવો શબ્દપ્રયોગ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. અનુજાતિના સભ્યો, સંલગ્ન સંસ્થાઓએ આ ઉચ્ચારણનો ભારે વિરોધ કરી કલાકાર યોગેશ બોક્ષા (ગઢવી) સહિત અન્યો સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. તેમના ઉચ્ચારણનો વિરોધ થતાં ઉપસ્થિત વિરોધકર્તા લોકોએ પ્રસ્તુતિ કરતાં અટકાવી કાર્યક્રમને રોકી દીધો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ, સાંસદ અને આ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ છાત્રાલયના લોકાર્પણમાં વ્યસ્ત હતા એ સમયે બનેલી ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ કાર્યક્રમ સ્થળે પહોંચી આવી ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.આ ઘટના ઘટયા બાદ કલાકાર યોગેશ બોક્ષા (ગઢવી)એ  જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું એમ કહી મામલો શાંત પાડવાનો પ્રયાસ તો કર્યો, પણ વિરોધનો વંટોળ થમ્યો નહોતો. પોલીસ ફરિયાદ નોંધવા માટેની ખાતરી મળ્યા બાદ આખોય મામલો કાયદાના દ્વારે પહોંચ્યો હતો, પણ આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.બીજી તરફ દલિત અધિકાર મંચના નરેશભાઇએ આક્ષેપ કર્યો હતો કે, એ-ડિવિઝન પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરે છે અને જ્યાં સુધી ફરિયાદ નહીં લે ત્યાં સુધી પોલીસ સામે ધરણા પર બેસવાનું તેમણે એલાન આપી ધરણા પર બેસી ગયાનું `કચ્છમિત્ર'ને ફોન પર જણાવ્યું હતું. રાષ્ટ્રીય અનુજાતિ આયોગની પેટા સમિતિના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર ગોહિલે પણ આ ઘટનાને વખોડી હતી અને રજૂઆત કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer