મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને નવું વાહન અર્પણ

ભુજ, તા. 14 : ભોજન સમારંભો, ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા પ્રસંગોપાત વધી પડેલો મહાપ્રસાદ કે ભોજન ગરીબોના ઝૂંપડે પહોંચાડતી માનવજ્યોત સંસ્થા ભુજને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજીની પ્રેરણાથી દાતા રાજેન્દ્ર ઘનશ્યામ માવજી વાઘજિયાણી (ટપરિયા) પરિવાર કેરા-કચ્છ (મોમ્બાસા-કેન્યા) દ્વારા નવું છોટા હાથી વાહન અર્પણ કરાયું હતું. વાહનની ચાવી આચાર્યના હસ્તે અર્પણ કરાઇ હતી. સ્વામીએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સર્વે કાર્યકરોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દાતા પરિવારના ઘનશ્યામભાઇ, દિલીપભાઇ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. માનવ જ્યોતના પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, નીતિનભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, રસિકભાઇ ઠક્કરે ઉપસ્થિત રહી નવા વાહનની ચાવી સ્વીકારી દાતા પરિવારનું સન્માન કરી આભારની લાગણી વ્યકત કરી હતી. સંસ્થા દ્વારા આ વાહનથી ભુજ અને ભુજ વિસ્તારમાંથી પ્રસંગોપાત વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોના ઝૂંપડે-ઝૂંપડે પહોંચાડાશે. આ વધી પડેલી રસોઇમાંથી સંસ્થા દરવર્ષે અઢી લાખ ગરીબોને તેમના ભૂંગા-ઝૂંપડા સુધી જઇ ભરપેટ જમાડે છે. આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સર્વે સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.