ઝરપરા ગામે 808મા સ્થાપના દિને સ્થાપકના મંદિર જીર્ણોદ્ધારની ચર્ચા કરાઇ

ઝરપરા (તા. મુંદરા), તા. 14 : ભારત વર્ષમાં સૌથી મોટા ચારણ ગામ ઝરપરાનો 808મો સ્થાપના દિવસ પરંપરાગત રીતે ઉજવાયો હતો. વિ.સં. 1270માં સિંધથી કચ્છનાં કંઠીપટમાં આવી સેડાયત નામના તુંબેલ ચારણે આ ગામની સ્થાપના સાત નેસડા સ્વરૂપે કરી હતી. ત્યારબાદ તેમના વંશજ વીર આંમીયા દાદાએ વિ.સં. 1556માં અખાત્રીજના ગામનું તોરણ બાંધી સાતમાંથી એક ગામની સ્થાપના કરી. સવારે તિલાટ જુમાભાઇ ગઢેરા, ચારણ સમાજનાં પ્રમુખ કાનજીભાઇ બાતીયા, સરપંચ ખીમજીભાઇ દનિચા, ઉપ સરપંચ પાલુભાઇ ભીમશી, આસપન નાગશી, રામ કરશન સેડા, વિશ્રામ દેરાજ ગઢેરા, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, સેડા ભાયાત અને ભાણેજ ભાયાતોનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમી પૂજન પછી ગામની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઇ હતી. તોરણ વિધિ પછી ગામના ઇતિહાસ પર ચારણ સાહિત્યકાર આશાનંદ ગઢવીએ પ્રકાશ પાડયો હતો. ગામના સ્થાપક અમીયા દાદાનાં સ્મારક મંદિરે નૈવેદ, કસુંબાની પરંપરા નિભાવાઇ હતી. અને ગામના સ્થાપકના મંદિરના જીર્ણોદ્ધાર માટે ચર્ચા કરાઇ હતી.