એમપીમાં શિકારીઓએ ત્રણ પોલીસ કર્મચારીની કરી હત્યા

ભોપાલ, તા. 14 : મધ્યપ્રદેશના ગુનામાં કાળા હરણના શિકારીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જંગલમાં શિકારીઓએ એક એસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીને ગોળી મારી દીધી છે. ગુનાના એસપી રાજીવ કુમાર મિશ્રાએ કહ્યું હતું કે, આરોના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિકારીઓએ આરોન સ્ટેશનના એસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આરોનના જંગલમાં 4 કાળા હરણ અને એક મોરનો શિકાર કરીને શિકારીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે સામનો પોલીસ સાથે થયો હતો. પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બન્ને વચ્ચે 50થી વધારે રાઉન્ડ ગોળીબાર થયો હતો. જેમાં શિકારીઓએ પોલીસ કર્મચારીઓ ઉપર તાબડતોડ ગોળીબાર કર્યો હતો. જેમાં સબ ઈન્સ્પેકટર રાજકુમાર જાટવ, હેડ કોન્સ્ટેબલ સંતરામ મીણા અને કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. એક શિકારી પણ માર્યો ગયો હતો. પોલીસની સરકારી જીપના ખાનગી ડ્રાઈવરને હાથમાં ગોળી વાગી હતી. શિકારીઓએ પોલીસના હથિયાર પણ લૂંટી લીધા હતા અને ફરાર થયા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer