ત્રિપુરાના નવા સીએમ માણિક સાહા

અગરતલા, તા. 14 : ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બિપ્લવ કુમાર દેવે આજે અચાનક જ પોતાનાં પદ ઉપરથી રાજીનામુ આપીને હલચલ પેદા કરી દીધી છે. તેમનાં રાજીનામાને ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી બદલવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં  આવે છે.ધારાસભ્યોની બેઠકમાં નવા સીએમ તરીકે આશ્ચર્યજનક રીતે માણિક સાહાની વરણી કરવામાં આવતાં સાહા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બનશે. દરમ્યાન, અમુક ધારાસભ્યોએ સાહાની પસંદગી સામે નારજગી વ્યક્ત કરી બેઠક બાદ ભારે હંગામો કર્યો હતો. બિપ્લવે નવા સીએમને અભિનંદન આપ્યા હતા. હવે બિપ્લવને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવાની શક્યતા અહેવાલોમાંવ્યક્ત કરાઇ હતી.  બિપ્લવ કુમારની છબી ત્રિપુરામાં ભાજપનાં શક્તિશાળી નેતા તરીકેની રહી છે. તાજેતરમાં જ તેઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે, પક્ષ નવા ચહેરા સાથે  ચૂંટણીમાં ઊતરવા માગે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પક્ષનાં કેન્દ્રીય નેતૃત્વનાં ઈશારે જ બિપ્લવે રાજીનામું આપ્યું છે. માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ છે. સૂત્રો મુજબ નવા સીએમ માટે નાયબ મુખ્યમંત્રી જિશ્નુદેવ વર્માનું નામ પણ ચર્ચામાં હતું. આજે સાંજે ત્રિપુરામાં ભાજપના વિધાયકોની બેઠક મળશે અને તેમાં નવા મુખ્યમંત્રીનાં નામ અંગે ફેંસલો કરવામાં આવ્યો હતો. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપનાં મહાસચિવ વિનોદ તાવડે નિરીક્ષકો તરીકે તેમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ બિપ્લવ કુમારે કહ્યું હતું કે, તમામ બાબત કરતાં પક્ષ મોટો છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પક્ષ માટે કામ કર્યુ છે. ભાજપનાં મુખ્યમંત્રી તરીકે મેં ત્રિપુરાની જનતા સાથે ઈન્સાફ કરવાના પ્રયાસ કર્યા છે. પક્ષ દ્વારા મને જે કોઈપણ ભૂમિકા સોંપવામાં આવશે તેના માટે મારી તૈયારી છે.   

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer