આભમાંથી વરસ્યા અંગારા : કંડલા(એ) 4પ.9

ભુજ તા 14: ગરમીનું આકરું મોજું ફરી વળવાની હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ આભમાંથી અગનજ્વાળા વરસી હતી અને વર્તમાન ઉનાળાની સિઝનના અતિ સર્વાધિક તાપથી કચ્છ ધગધગી ઊઠયું હતું. અંજાર-ગાંધીધામ, વરસામેડી સહિતનો પૂર્વ કચ્છનો વિસ્તાર સમાવિષ્ટ છે એવા કંડલા એરપોર્ટ કેન્દ્રમાં મહત્તમ પારો અઢી ડિગ્રી ઊંચકાઈ 4પ.9 ડિગ્રીના વિક્રમી આંકે પહોંચતા આ આખોય વિસ્તાર અકળાવી મૂકે તેવી ગરમીથી કાળઝાળ થયો હતો. હવામાન વિભાગે ગરમીના આકરા મોજાંની કોઈ ચેતવણી જારી કરી નથી પણ ગરમીનો આ દોર જારી રહેવાની શકયતા હવામાન નિષ્ણાતોએ દેખાડી હતી. કંડલા(એ) મથકે પહેલીવાર મહત્તમ પારો 4પ.9 એટલે કે 46 ડિગ્રીની નજીક પહોંચતાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી ભીષણ ગરમીનો અનુભવ થયો હતો. સવારથી જ સૂર્ય નારાયણ આકરાપાણીએ થયા બાદ મધ્યાહ્ને તો પ્રખર તાપ તેની પરાકાષ્ટાએ પહોંચતાં જાણેકે આ ગરમીનું મોજું લોકોની અગનકસોટી લઈ રહી હોય તેવી અંગ દઝાડતા તાપ અને આકરી લૂ વર્ષાવાળી ગરમીનો અનુભવ થતાં લોકોને આકુળવ્યાકુળ બની હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. વર્તમાન ઉનાળાની સિઝનમાં કંડલા(એ) કેન્દ્રમાં પારો પહેલીવાર આ આંકે પહોંચ્યો છે. આ અગાઉ એપ્રિલ માસમાં અહીં પારો 4પ ડિગ્રીને પાર થયો હતો. ખાનગી રાહે તાપમાન નોંધાય છે એવા રાપરમાં પણ પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચકાઈ 42 ડિગ્રીએ પહોંચતા ભુજવાસીઓ ગરમી અને લૂના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. ખાસ કરીને બપોરના સમયે લૂ ઓકતા ઉની વાયરા ફુંકાવવા સાથે માથું ફાડી નાખે તેવી ગરમીના અનુભવે લોકોને ઘરની અંદર રહેવા માટે મજબૂર કર્યા હતા. નલિયામાં 39.8 અને કંડલા પોર્ટમાં 37.1 ડિગ્રીએ ગરમીનો દોર જળવાયેલો રહ્યો હતો. લઘુતમ તાપમાન 27થી 28 ડિગ્રી જેટલું ઊંચું રહેતાં દિવસે પ્રખર તાપનો અનુભવ કરનાર લોકોને રાત્રિના ભારે બફારા અને ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે ગરમીના આકરા મોજાંની કોઈ ચેતવણી જારી કરી નથી પણ આગામી ચારેક દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શકયતાને નકારી છે જેથી ગરમીમાં રાહત મળવાની શકયતા ઓછી દેખાઈ રહી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer