મીઠીરોહરમાં ભુજના મહિલા ઉપર શખ્સનો છરીથી હુમલો
ગાંધીધામ, તા. 14 : તાલુકાના મીઠીરોહરમાં એક શખ્સે મહિલા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે ગાંધીધામમાં મારામારીના અન્ય બનાવમાં પતિ-પત્ની સામે ગુનો નોંધાયો હતો. મીઠીરોહરમાં ઈદગાહ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના 8 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગામના આરોપી અસલમ અસગર સોઢાએ ભુજના 45 વર્ષીય ફરિયાદી અમીનાબેન જુસબભાઈ ઉસ્માનભાઈ હોડાના બંને હાથમાં છરીના ઘા માર્યા હતા. ફરિયાદીના પતિ જુસબભાઈએ આરોપીના માતાને બહેન બનાવ્યા હતા.ઈજાગ્રસ્ત મહિલા અને તેમના પતિએ તહોમતદારના માતા રભીયાબેનને કોઈ સાથે ભગાડયા હોવાના શક-વહેમ રાખી હુમલો કર્યો હતો. આ મહિલા પોતાના ભાઈનાં ઘરે આવ્યાં હતાં. તે અયભાની દુકાન પાસે વિમલ લેવા આવતા અહીં કેમ આવ્યા છો કહીને આરોપીએ માથાકૂટ કરી ભુંડી ગાળો આપી હતી.દરમ્યાન શહેરના વોર્ડ 10/એ, એમાં આવેલા ઉમા દર્પણ એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાના અરસામાં બનેલી ઘટના સંદર્ભ ફરિયાદી વિનોદભાઈ સામજીભાઈ પોકરે આરોપી નિરવ ગઢવી અને રુપાલીબેન નિરવ ગઢવી સામે ગુનો નોંધાવ્યો હતો. આરોપી નિરવ ગઢવીએ કરેલું દબાણ હટાવી લેવાનું કહેવાના મન દુ:ખ મુદ્દે ઉશ્કેરાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને ધકબુશટનો માર માર્યો હતો. તેમજ સહઆરોપી રુપાલીબેને એડવોકેટ છું તમને બધાને ખોટા કેસમાં ફસાવી દઈશ. તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યુ છે. મારામારીના બંને બનાવ અંગે પોલીસે તપાસ આરંભી છે.