મુંદરા તા.માં પાણીના ઊંડાં જતાં તળ અને વધતા ટી.ડી.એસ.થી ચિંતા
મુંદરા, તા. 14 : તાલુકાની પીવાના પાણીની પરિસ્થિતિ થાળે પડે તે પૂર્વે સાવચેતીનાં પગલાં લેવા જિલ્લા પંચાયતના માજી સદસ્યે કલેક્ટરને રજૂઆત કરી હતી. આ અંગે હાજી સલીમભાઇ જતે જણાવ્યું હતું કે, તાલુકામાં ચોમેર ઉદ્યોગો ફેલાતાં તથા વિશાળ જથ્થામાં તળનું જમા પાણી રાત-દિવસ ખેંચાતું હોવાથી પાણીનું તળ ઊંડું ઊતરવાની સાથે ટી.ડી.એસ.નું પ્રમાણ વધતું જાય છે. જેથી તાલુકાના કોઇ પણ ગામમાં પીવાનાં પાણીની પરિસ્થિતિ સારી નથી તેમજ કોઇ ગામે પીવાલાયક પાણી રહ્યું નથી, જેની સીધી અસર આરોગ્ય પર પડે છે. આ બાબત ઘાતક બને તે પહેલાં યોગ્ય પગલાં લેવા જરૂરી હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે સરકારે આવા ઉદ્યોગોને પાણીના ભાવે જમીનો આપી ટેક્સ રાહત આપી દરેક ક્ષેત્રે સહાય અને અગ્રતા સાથે બનતી તમામ રાહત આપી છે. સામે પક્ષે સ્થાપિત ઔદ્યોગિક ગ્રુપે પીવાનાં પાણી પ્રશ્ને અને લોકોના આરોગ્ય પ્રશ્ને આજ સુધી દુર્લક્ષ્યતા સેવી છે. જેથી મુંદરા તા.ની પીવાનાં પાણીની જવાબદારીમાં ઔદ્યોગિક એકમોને સામેલ કરી સી.એસ.આર.ની રકમ પીવાનાં પાણીમાં વાપરવામાં ફરજ પાડી તાલુકાની 37 પંચાયતો હસ્તેના પીવાનાં પાણીની જવાબદારીઓમાં જે તે વિસ્તારના ઔદ્યોગિક એકમોને સામેલ કરી આર.ઓ. પ્લાન્ટથી ફિલ્ટર કરી ગામેગામ શુદ્ધ પીવાલાયક પાણી વિતરિત કરવા માંગ કરી હતી.