કચ્છની કાયદો વ્યવસ્થા કથળી : કડક પગલાંની માંગ
ભુજ, તા. 14 : કચ્છમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી હોવાની રાવ સાથે કડક પગલાં લેવાની રજૂઆત રાજ્યના ગૃહમંત્રીને હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા કરાઇ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, કચ્છમાં લુખ્ખા તેમજ અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી, મુંદરામાં યુવાનના હત્યારા હજુ પોલીસ પકડથી દુર છે. ત્યાં થોડા દિવસ પૂર્વે ભુજમાં નજીવી 500 રૂપિયાની રકમને લઇને યુવાનની હત્યા નીપજાવી દેવાઇ હતી. આ ઉપરાંત શહેરના વિવિધ માર્ગો પર અસામાજિક તત્ત્વો અડીંગો જમાવીને બેઠા હોય છે અને નિર્દોષ લોકો સાથે મારા મારી કરી જાન લેવા હુમલા પણ કરે છે. આ અંગે દળે અગાઉ પણ રજૂઆત કરી પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી કડક પગલાં લેવાની માંગ દળના કપિલ મહેતા, રાજેશભાઇ જેઠી ત્થા જ્યોતિબેન પિત્રોડાએ કરી છે.