તબીબ તો ન આવ્યા અને દવાઓ પણ ખલાસ થઇ જતાં મનોરોગીઓને `ધક્કો''
ગુંદાલા (તા. મુંદરા), તા. 14 : મુંદરા તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મનોરોગીઓ માટે દવાખાનાંમાં દવા જ ન હોતાં મુંદરાની જનરલ હોસ્પિટલનો ધક્કો થયો હતો તેવી ફરિયાદ ઊઠી છે. દર્દીઓના જણાવ્યા અનુસાર દર મહિનાના બીજા ગુરુવારે સરકારી હોસ્પિટલમાં ભુજથી મનોચિકિત્સક આવે છે અને દર્દીઓને તપાસી દવા અપાય છે, પરંતુ છેલ્લા ત્રણ માસથી ભુજથી ડોક્ટર આવતા નથી, જેથી દર્દીની ફાઇલ ઉપરથી સ્થાનિક ડોક્ટરો દવા લખીને દર્દીઓને આપે છે. સતત બીજા ગુરુવારે પણ ભુજથી ડોક્ટર તો ન આવ્યા, પરંતુ માનસિક રોગના દર્દીઓની દવા-ગોળીનો સ્ટોક પણ ન હોતાં સ્થાનિક તબીબોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. જો કે, સોમ-મંગળવારે દવાનો સ્ટોક આવી જશે તેવી દર્દીઓને હૈયાધારણ અપાઇ હતી.