નર્મદા રૂદ્રમાતા સુધી.. આહીરપટ્ટીમાં આનંદ ભયો

રાયધણપર (તા. ભુજ), તા. 14 : ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ વિસ્તારની નર્મદા યોજનાની કચ્છ શાખામાંથી નીકળતી દુધઇ પેટા નહેરનું રૂપિયા 1550 કરોડના ખર્ચે વિસ્તરણ કરી તેને 45 કિલોમીટર વિસ્તારી રૂદ્રમાતા ડેમ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કરતાંની સાથે જ આ નહેર જ્યાંથી પસાર થવાની તે ભુજ તાલુકાની સમગ્ર આહીરપટ્ટીમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. દુધઇ પેટા નહેર લંબાઇમાં હવે આહીરપટ્ટીમાં રણકાંધીના ગામડાઓ જવાહરનગર, વિરમપર, ખેંગારપર, ઉમેદપર ઉપરાંત લોડાઇ, કેશવનગર, ધ્રંગ, કોટાય, કુનરિયા, ઢોરી, સુમરાસર વિસ્તારને આવરી લેવાશે જેથી આ વિસ્તારને ભવિષ્યમાં નહેર વાટે નર્મદાનું પાણી પ્રાપ્ત થવાના છે. વરસોથી વરસાદી પાણી અને અમુક ગામડાઓ રૂદ્રાણી ડેમના પાણી ઉપર આધારિત રહેતા આવે છે ત્યારે આ વિસ્તારને હવે નર્મદાનું પાણી પ્રાપ્ત થશે તો સમગ્ર વિસ્તાર લીલોછમ થશે. રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવાની જરૂર પડી છે તેનું મુખ્ય કારણ માથે આવી રહેલી ચૂંટણી છે, પરંતુ આ નિર્ણયનો સાચો યશ ફાળો કિસાન સંઘના ફાળે જાય છે, કેમકે છેલ્લા બે દિવસથી ભુજ ખાતે કિસાન સંઘ દ્વારા ધરણાનો જે ઘટનાક્રમ શરૂ થયો ત્યારે જ કચ્છથી ગાંધીનગર સુધી કિસાનોની આક્રમકતા સરકાર સુધી પહોંચી હતી. તે ઉપરાંત ધરણાથી અગાઉ ગત માસે જે રૂદ્રાણી ડેમથી ભુજ સુધી વિશાળ ટ્રેક્ટર રેલી નીકળી હતી ત્યારે જ કિસાનોની માંગની ગંભીરતાને કચ્છના રાજકારણે નોંધ લીધી હતી અને આજે આ નિર્ણયની જાહેરાત કરીને કિસાનોની માંગને સંતોષવામાં આવી છે.કિસાનોના હિતમાં રાજ્ય સરકારને આ નિર્ણય લેવા માટે મહત્ત્વની ભૂમિકા કિસાન સંઘની છે અને આ આખી લડાઇમાં પગ ખોડીને લડતમાં રહેલા કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઇ માદેવાભાઇ આહીરે કચ્છમિત્રને જણાવ્યું કે, કિસાનોની આ માંગ પોણા બે વર્ષથી હતી. જો કે, સરકારે ભલે મોડેથી પણ જે નિર્ણય લીધો છે કિસાનો અને કચ્છના હિતમાં છે, અમે તેને આવકારીએ છીએ. તેમણે જણાવ્યું કે, આ સમગ્ર નિર્ણય સુધી પહોંચવા કિસાનોની મહેનત કામ આવી છે.તો વળી દુધઇ શાખામાંથી નર્મદાના પાણી રણકાંધીએથી આહીરપટ્ટીમાં પ્રવેશ કરશે તેવા છેવાડાના ધરમપર ગામના અગ્રણી પાંચાભાઇ ડાંગરે જણાવ્યું કે, સરકારના આ નિર્ણયથી આ પંથકનું જીવન બદલી જશે. ભાવિ પેઢીને નવું જીવનધોરણ જોવા મળશે. આમ, સરકારના આ એક જ નિર્ણયથી નર્મદાનું પાણી નહેર વાટે નજીકના ભવિષ્યમાં આહીરપટ્ટીમાં પહોંચશે પરંતુ લોકોના મનમાં તો જાણે કે આજે જ નર્મદાનું આગમન આહીરપટ્ટીમાં પહોંચ્યું હોય તેવો આનંદ ઓચ્છવ વર્તાતો હતો અને દિવસભર આ મુદ્દો વોટસએપમાં છવાયેલો રહ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer