કચ્છ ભાજપમાં સીઆરનો કરન્ટ...

કચ્છ ભાજપમાં સીઆરનો કરન્ટ...
ભુજ, તા. 13 : ગુજરાત ભાજપના `કરિશ્માઇ' પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટિલની આવતીકાલની કચ્છ મુલાકાતને લઇને જિલ્લા ભાજપમાં ઉત્સાહનો જુવાળ ઊમટયો છે. વિધાનસભા ચૂંટણીના નગારાનો ધીમોધીમો રવ કાને અથડાવાનું શરૂ?થાય કે રાજકીય કાર્યકર્તા થનગનાટ અનુભવવા લાગે... ગુજરાતની ચૂંટણીને છએક મહિનાનો સમય માંડ બાકી રહ્યો છે એટલે ટિકિટ વાંચ્છુકો, જાહેર જીવનમાં પગદંડો જમાવવા આતુર નેતાઓ રોમાંચિત છે. સી. આર. પાટિલની કચ્છ યાત્રા આમ તો વ્યાપક ચૂંટણીની પૂર્વ તૈયારીની રણનીતિનો ભાગ જ છે. તેઓ દરેક જિલ્લામાં જઇને પક્ષના કાર્યકર્તાઓનું મન જાણવા મથી રહ્યા છે. આવતીકાલે કચ્છમાં તેમના ભરચક કાર્યક્રમ છે. તેની શરૂઆત ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ખાતે કરશે અને સમાપને માંડવીમાં ક્રાંતિતીર્થનીય મુલાકાત લેવાના છે. આમ જોઇએ તો ગુજરાતના નાથ મુખ્યમંત્રી લેખાતા હોય છે કેમ કે રાજ્યની શાસનધુરા તેમના હસ્તક હોય... ભૂતકાળના રેકોર્ડ મુજબ પ્રદેશ પ્રમુખની ભૂમિકા મહદ્અંશે સંગઠન પૂરતી લો પ્રોફાઇલ જોવા મળી છે, પણ સી. આર. વરસો પછી એવા પ્રદેશ?પ્રમુખ પુરવાર થયા છે જેમણે કાર્યકર્તાઓમાં આકર્ષણ જમાવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તેમના કાર્યક્રમનો ઠાઠમાઠ?અને સત્કાર એ વાતની ગવાહી પૂરે છે. પક્ષના  સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને વડાપ્રધાન મોદીએ જવાબદારી સોંપી છે. ગામડાંના સાવ છેવાડાના જણ સુધી પક્ષના વિચાર પહોંચાડવાના `માઇક્રો લેવલ' આયોજનના તેઓ નીવડેલા ખેલાડી છે. `સીઆર'નું ભાજપમાં વજન પડવાનું વધુ એક કારણ?એ પણ છે કે, 2019ની 17મી લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર તેઓ 6.89 લાખ મતોની વિક્રમી સરસાઇથી જીત્યા હતા. જુલાઇ 2020માં પ્રથમ બિનગુજરાતી પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાત ભાજપનું સુકાન સંભાળ્યું ત્યારથી તેમણે પક્ષમાં શિસ્તને લઇને કડક વલણ?અપનાવ્યું છે. આગામી ચૂંટણીને લઇને તેઓ સંકેત આપી ચૂક્યા છે કે 60 વર્ષથી વધુની વય ધરાવતા હોય તેમને ટિકિટ?નહીં મળે. વળી, પક્ષના હોદ્દેદારો કે નેતાના પરિજનોને તેમજ ત્રણ મુદતથી ચૂંટાતા ધારાસભ્યોને પણ ફરી ચૂંટણી લડવાની તક નહીં મળે. અલબત્ત, ચૂંટણીનું ટાણું આવશે ત્યારે પાટિલ આ નીતિને અમલમાં મૂકી શકશે કે કેમ એ જોવાનું રહે છે. કચ્છની વાત કરીએ તો ઉપરના નિયમોનો ખરેખર અમલ થાય તો ઉમેદવારોની ગણતરી અને ગણિત સાવ બદલી જશે. ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો પડકાર અને જોર કરી રહેલા આમ આદમી પાર્ટીના પરિબળો પાટિલને રણનીતિ બદલવા મજબૂર કરશે કે કેમ એ જોવાનું રહે છે. કચ્છ મુલાકાત દરમ્યાન પાટિલ સંભવિત ચહેરાઓનો કયાશ કાઢશે એમ મનાય છે. જાહેર જીવનમાં સેવાભાવી અને સ્વચ્છ છબીને પ્રાધાન્ય મળશે. થોડા સમય પૂર્વે સરપંચ સંવાદ માટે કચ્છ આવેલા પાટિલે `કચ્છમિત્ર'ના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પદને `કમાણી'નું સાધન બનવા નહીં દેવાય... 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer