સાપેડા ગામે હુમલો, બહિષ્કારના મુદ્દે સામૂહિક હિજરત સાથેનો નવતર વિરોધ

સાપેડા ગામે હુમલો, બહિષ્કારના મુદ્દે સામૂહિક હિજરત સાથેનો નવતર વિરોધ
ભુજ, તા. 13 : અંજાર તાલુકાના સાપેડા ખાતે અનુ. જાતિના યુવાન પર થયેલા હુમલાના બનાવમાં યુ-ટર્ન આવ્યો અને પાંચમાંથી ત્રણ જણની ધરપકડ બાદ બાકીના બે જણને તાત્કાલિક પકડવાની માંગ સાથે ગામના 300થી વધુ અનુ.જાતિના રહેવાસીઓએ આજે હિજરત-પદયાત્રા કરી કલેકટર કચેરીએ ન્યાયની માંગ કરી હતી. બપોરથી કચેરી ખાતે ધરણા બાદ મોડી સાંજ સુધી સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં કચેરી ખાતે ધરણા યથાવત્ રહ્યા હતા. સાંસદના કાર્યાલયે પણ સાપેડાવાસી પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલાં સાપેડાના અનુ.જાતિના યુવાન અને તેના પરિજનો પર થયેલા હુમલા તેમજ સરપંચ દ્વારા અનુ. જાતિના લોકોને માલસામાન ન આપવાના કથિત વહેતા થયેલા વીડિયો સહિતના ભારે ચર્ચાસ્પદ બનેલા બનાવ અંતર્ગત હુમલો કરનારા પાંચ પૈકીના બે આરોપીઓની હજુ સુધી ધરપકડ ન કરાતાં આજે બપોરે ગામના 300થી વધુ અનુ. જાતિના લોકોએ બાળકો-વડીલો સાથે હિજરત કરી કલેકટર કચેરીએ  ધરણા યોજ્યા હતા અને જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી કચેરી તેમજ સાંસદના લોકસંપર્ક કાર્યાલય બહારથી ન હટવા નિર્ણય કર્યો હતો.સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવા સહિતના આક્ષેપો સાથે કલેકટર કચેરીનો આશરો લેનારા તમામની પ્રાથમિક સુવિધાઓ તંત્ર પૂરી પાડે તેવી પણ જ્ઞાતિ અગ્રણીઓએ માંગ કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષની કચ્છ મુલાકાતની પૂર્વ સંધ્યાએ સાપેડાવાસીઓને શાસક અને તંત્ર બંનેને ભીડામાં લીધા હતા. જો કે, બનાવની ગંભીરતા નિહાળી સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. જે અંતર્ગત સાંજના ભાગે  અંજાર ભાજપના અગ્રણી શંભુભાઈ આહીર તેમજ ડેનીભાઈ શાહ વિ.એ ધરણા સ્થળે અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. એક તબક્કે જ્ઞાતિના અમુક યુવાનોએ સાંસદ સ્થળ પર આવે અને ધરપકડની ખાતરી આપે તેવી માંગ કરી હતી, પરંતુ સમાજ અગ્રણીઓએ સમજાવટનો દોર હાથમાં લીધો હતો. ચર્ચાઓના અંતે સાંસદ વિનોદભાઈ ચાવડા અને અગ્રણીઓની બેઠકના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં કલેકટર કચેરીએ જ સૌએ અડગ રહેવા નિર્ણય કર્યો હતો. જિલ્લાના આંદોલનના ઈતિહાસમાં પહેલી વખત સહપરિવાર હિજરત -પદયાત્રા અને જિલ્લામથકે રાત્રિરોકાણની ઘટના ન ઘટે તે માટે મોડી રાત સુધી સમાધાનના પ્રયાસો ચાલ્યા હતા. સમાજ અગ્રણીઓ અખિલ કચ્છ મહેશ્વરી સમાજ કાર્યકારી અધ્યક્ષ નરેશભાઈ મહેશ્વરી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી, કરસનભાઈ આયડી, કાનજીભાઈ ચંદે, ભરતભાઈ મહેશ્વરી, કરસનભાઈ બડગા, કમલેશભાઈ બડગા, હિતેશભાઈ બડગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં પાણી અને ઘાસચારાના અભાવે હિજરત થતી હોવાના સમાચાર નવા નથી પરંતુ કોઈ સમાજનો કોઈ ઘટના બાદ કથિત સંપૂર્ણ બહિષ્કાર અને એ જાકારાને પગલે  શાકભાજી, કરિયાણું ન આપવાની વાતને પગલે ગ્રામજનોએ હિજરત કરી હોવાનો  પ્રથમ બનાવ છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer