`મુફ્તી-એ-કચ્છ''ના ઉર્સમાં એક લાખ જણ જોડાય તેવી તૈયારી

`મુફ્તી-એ-કચ્છ''ના ઉર્સમાં એક લાખ જણ જોડાય તેવી તૈયારી
દેવેન્દ્ર વ્યાસ દ્વારા - માંડવી, તા. 13 : કાળમુખા કોરોનાકાળમાં ગત વર્ષે સતાણું વર્ષની જૈફ વયે વફાત કરી ગયેલા મુફ્તી-એ-આઝમ કચ્છ અને રેહબરે શરીઅત, હઝરત અલ્લામા અલ્હાજ સૈયદ અહમદશાહ બુખારી સાહેબનો ઉર્સ આગામી 18મી મેના અહીંના મોટા સલાયા ખાતે મખ્દુમ મોહંમદ ઈબ્રાહીમ દરગાહ પરિસરમાં યોજાશે. મર્હૂમ મુફ્તી સાહેબના ફરજંદોના પરિવારવૃંદ આયોજિત કાર્યક્રમની જાણકારી મળતાં એમના મુરીદો, ચાહકો સહિત સમગ્ર કચ્છમાં કોમી એકતાના મસીહાની પ્રતિભા સન્મુખ થઈ હોવાનો માહોલ અનુભવાયો છે. મુફ્તી સાહેબે ફાની દુનિયાને અલવિદા કર્યા પછી એમના ફરજંદ સૈયદ હાજી અમીનશાહ બાવા સાહેબે સિલસિલો બરકરાર રાખી ધાર્મિક-સામાજિક મસલા સંબંધે મુરીદોને દોરવણી જારી રાખી છે અને 18મીએ હાજરી આપવા પણ નોતરું પાઠવ્યું છે. કચ્છની ધીંગી ધરાએ સંતો-મહંતો-પીર-ફકીર-ઓલિયાઓ-યતિ-સતીરૂપે અનેક હીરરત્નો પેદા કર્યા છે. વીતેલા વર્ષમાં સામાજિક સમરસતાના હિમાયતી-પ્રેરકબળ, અવ્વલ ગજાની અહેમિયત એવા મુફ્તી-એ-કચ્છના લાડકા નામે દેશ-દેશાવરમાં માન-સન્માનના માલિક રહ્યા. ઈસ્લામના ઉસુલોના જાણતલ અને જાગતલ એવા સૈયદ હાજી અહમદશાહ બુખારી સાહેબે પવિત્ર રમજાન માસમાં ગયા વર્ષે 25મા રોજે શારીરિક વ્યાધિઓ સામે પ્રતિકાર કરતાં ફાની દુનિયાને અલવિદા કરી હતી. કહેવાયું છે કે આફતો જ્યારે આડી ઊતરે ત્યારે એકલ-દોકલ રહેવાને બદલે ઝુંડમાં ત્રાટકતી હોય. મુફ્તી સાહેબના પરિવારમાં કેવળ 45 દિવસો દરમ્યાન તેમના જ્યેષ્ઠ ફરજંદ હાજી અનવરશાહ બાવા અને તે પછી સૌથી નાના ફરજંદ એવા સૈયદ હાજી અબુબકરશાહ બાવા પણ જન્નતનશીન થયા. દોઢ મહિનામાં ત્રણ જિંદગીઓ કફન ઓઢીને દફન થઈ જેની કળ વળવી કઠિન છે. કેવળ ઈસ્લામના અનુયાયીઓ માટે જ નહીં, પરંતુ બિનમુસ્લિમ આલમમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. તત્સમયે સામાજિક અંતર અનિવાર્ય બનેલું હોવાથી મહામારીમાં જે-તે સમયે ધાર્મિક-સામાજિક રસમોરિવાજ બરકરાર રાખવામાં લાચારી હોવાથી પરિવારવૃંદે જિયારત મુલતવી રાખવી પડેલી. હાલાત સાનુકૂળ થતાં જિયારત રાખવાનો જાહેર સંદેશ પાઠવાયો હતો. આ સંદર્ભે મર્હૂમ મુફ્તી સાહેબ, મર્હૂમ સૈયદ હાજી અનવરશાહ બાવા અને મર્હૂમ સૈયદ હાજી અબુબકરશાહ એમ ત્રણેયની જિયારત 18મીએ સંપન્ન થશે. નેકી-નિયત, બંદગી, ઈબાદતના આભૂષણોથી અલંકૃત મનાયેલા બાવાસાહેબે જિંદગીને સામા પ્રવાહે જીરવી. નીતિ, રીતિ, સેવા-સાદગી-સદાચારને આખરી દમ લગી ઉની આંચ આવવા દીધી નહીં. શિસ્તપાલન, શક્તિ અને સામર્થ્ય, ઈમાન-ઉસુલોને તેઓ વૃક્ષની પ્રશાખા તરીકે મૂલવતા હતા. માનવ આચરણને તેઓ જિંદગીનું અણમોલ આભૂષણ લેખાવતા. સદીની લગોલગ આવરદા દરમ્યાન તેઓએ પાંચ વખત હજ અને સાત વેળા ઉમરાહની પવિત્ર યાત્રા કરેલી. બે વખત ખ્વાજા ગરીબ નવાઝની અને ચાર વેળા હાજીપીરવલીની જિયારત કરી હતી. સળંગ પાંચ દાયકાઓ દરમ્યાન શહેરના કાંઠાવાળા વિસ્તારમાં તેઓએ મહોરમની તકરીરોનો વણથંભો સિલસિલો જાળવી રાખેલો. તકરીરોમાં ઈસ્લામના ઉસુલો, બિરાદરી, રહેમદિલી, યતિમ-મિસ્કીન-જરૂરતમંદને સહાયનો બોધ આપતા રહ્યા. ઠાઠમાઠ કે ઠઠારા પ્રત્યે તેઓને અણગમો. સાદગીસભર જીવનકવનના તેઓ આગ્રહી, ઉપદેશક. ભૂકંપ પછી અનેક સેવાકાર્યમાં જોડાયેલા આ ધર્મગુરુએ ભુજમાં એહલે સુન્નત, મુંદરામાં કારવાંને મુસ્તફા કમિટી, માંડવીમાં ખિદમતે ખલ્કના ગઠનમાં પ્રેરક ભૂમિકા ભજવી કચ્છભરમાં સંખ્યાબંધ મસ્જિદોનું નવનિર્માણ, જૂની મસ્જિદોનું નવીનીકરણ સહિત સુધારાત્મક સોપાનોમાં મુફ્તી સાહેબની પ્રેરક ભૂમિકા ભુલાશે નહીં. બાવાસાહેબનું પૈતૃક ગામ વિંઝાણ. સહોદરો સૈયદ હાજી જહાંગીરશાહ બાવા (વિંઝાણ) અને સૈયદ હાજી સુલ્તાનશાહ બાવા (કોઠારા)ના તેઓ જ્યેષ્ઠ ભ્રાતા. છનુઆના ભીષણ દુષ્કાળ વેળાએ મુફ્તી સાહેબ હિજરત કરીને ગુંદિયાળી ગામે ઠરીઠામ થયા. 18 વર્ષે આજીવિકા કાજે દરજીકામ આરંભ્યું. તેઓ એમના માતા-પિતાને પ્રેરણાસ્રોત ગણતા. રોજી-હુન્નરની દીક્ષા અને શિક્ષા તેઓને મામા સૈયદ હાજી ભાવનશાહ અને સૈયદ હાજી ભાખરશાહ દ્વારા મળેલી. તેઓ કહેતા કે ઉપરવાળા-પરવરદિગારની સૃષ્ટિ સર્જનમાં માનવજાત-ઈન્સાન સૌથી બહેતર હોવાથી પ્યાર-મહોબ્બત, સંવેદના, લાગણીઓનું સંવર્ધન અલ્લાહનો પૈગામ છે. શેતાનિયત હંમેશાં દિમાગમાં આકાર લેતી હોવાથી હૈયા અને હોઠ ઉપર શાણપણ અનિવાર્ય હોવાનું તેઓ કહેતા. એમના ફરજંદ સૈયદ હાજી કાસમશાહબાવા સાહેબે પિતા મુફ્તી સાહેબના વ્યક્તિત્વને આગળ કરતાં કહ્યું કે, પરિવારપ્રીતિ, મઝહબી ઉસુલો, માનવતા, ઈન્સાનિયત, ભાઈચારો, સમરસતાના મોતીઓનો વારસો તેઓ વસિયતમાં આપી ગયા છે. હીકમતથી કામ લેવાનો તેઓનો ઉપબોધ છે. સૈયદ અનવરશાહ બાવા સાહેબના ઈન્તકાલ બાદ મઝહબી મામલામાં માર્ગદર્શન-સમજણ આપવાનો શિરસ્તો બાવાસાહેબના દ્વિતીય ફરજંદ સૈયદ હાજી અમીનશાહ બાવાએ જાળવીને સપ્તાહમાં બે દિવસ (રવિવાર-સોમવાર) બેઠકમાં મુલાકાતો યોજી રહ્યા છે. મુફ્તી સાહેબ પરિવાર પ્રત્યેની મુરીદોમાં આસ્થા-વિશ્વાસ-શ્રદ્ધા સૈયદ હાજી અમીનશાહ બાવામાં બરકરાર છે. સૈયદ અમીનશાહમાં મુરીદોને બાવાસાહેબનો પડઘો સંભળાઈ રહ્યો હોવાનું અનુભવાય છે. બાવાસાહેબ જન્નતનશીન થયા પછી એમની મઝારે મોટી સંખ્યામાં આસ્થાળુઓ, અનુયાયીઓ આવતા રહે છે. સૈયદ હાજી રિયાઝશાહ હાજી કાસમશાહ બાવાએ આપેલી જાણકારી પ્રમાણે વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિનો અણસાર આવતાં એકાદ લાખની ક્ષમતાવાળા ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે. સૈયદ હાજી અમીનશાહ હાજી અહમદશાહ, સૈયદ હાજી હુસૈનશાહ હાજી અહમદશાહ, સૈયદ હાજી કાસમશાહ હાજી અહમદશાહ, સૈયદ હાજી ઉસ્માનશાહ હાજી અહમદશાહ, સૈયદ ઈમ્તિયાઝશાહ હાજી અનવરશાહ અને સૈયદ શકીલશાહ હાજી અબુબકરશાહ સહિત મુફ્તી પરિવારે આયોજેલ ઉર્સ તાજિયતે મુફ્તી-એ-કચ્છમાં મુકરીરે ખાસ (પ્રમુખ વક્તા) તરીકે ખતીબે હિન્દ હઝરત મૌલાના અલ્હાજ અને રાજ્યસભા પૂર્વ સાંસદ ઉબૈદુલ્લાહ ખાન આઝમી અને અલ્હામા અલ્હાજ ફૈઝુલ હક્ક આઝમી સાહેબ તકરીર ફરમાવશે. આ પ્રસંગે ઝેરે સદારત હઝરત અલ્લામા અલ્હાજ સૈયદ હાજી જહાંગીરશાહ બુખારી, ઝેરે હિમાયત બિરાદરે મુફ્તી-એ-કચ્છ હઝરત અલ્લામા અલ્હાજ સૈયદ સુલતાનશાહ બુખારી જ્યારે ઝેરે નિગરાન ફરજંદે મુફ્તી-એ-કચ્છ  હઝરત અલ્લામા અલ્હાજ સૈયદ અમીનશાહ બુખારી રહેશે. 18મી (મંગળવાર) મગરીબથી ઈશા સુધી ન્યાજ જ્યારે ઈશા નમાજ બાદ વાયેઝનું આયોજન કરાયું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer