ભુજમાં આજે ભાજપ મોવડી પાટિલ ચાંદી ચોરસાથી તોળાશે

ભુજમાં આજે ભાજપ મોવડી પાટિલ ચાંદી ચોરસાથી તોળાશે
ભુજ, તા. 13 : જૈન ધર્મના વિવિધ આયામોના ઉંડા અભ્યાસ માટેના જૈન સ્ટડીઝ સેન્ટર તથા આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ના અભ્યાસ માટે આઇ.એ.એસ. કેન્દ્રના પ્રારંભ સાથે જીવદયાના કાર્યો તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની રજતતુલા કરવાના કાર્યક્રમને આખરીઓપ અપાઇ ચૂકયો છે. તો આ સમગ્ર આયોજનને લઇને જૈન સમાજને સામાજીક અને રાજકિય રીતે હિતેશ હિંમતલાલ ખંડોરના સ્વરૂપમાં મળેલી પ્રતિભા વધુ નિખરી ઉઠી સબળ આયોજક તરીકે સામે આવી છે. ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ઉભા કરાયેલા ડોમ સાથેના વિશાળ સમિયાણામાં ભાજપના પ્રદેશ મોવડી શ્રી પાટિલને ચાંદીના ચોરસાથી તોળાશે. કચ્છમાં બહુ લાંબા સમય બાદ રજતતુલા થઇ રહી છે. આવતીકાલે તા. 14/5 શનિવારે સવારે સાડા આઠ વાગ્યે કચ્છ યુનિ. સંકુલ ખાતે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં શ્રી પાટિલના હસ્તે મનોહર કીર્તિસૂરિશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટરના સ્વરૂપમાં જૈન સ્ટડી સેન્ટરને કાર્યાન્વિત કરાશે. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બની રહેનારા જશવંતભાઇ કલ્યાણજીભાઇ ગાંધી તાલિમ કેન્દ્રનો પણ પ્રારંભ કરાશે. તો સાથેસાથે જિલ્લાના 108 ગામોના અબોલા પશુઓ માટે ઘાસચારાની ગાડીઓ રવાના કરાશે અને પશુઓની સારવાર માટે પશુ એમ્બ્યુલંસને પણ શરૂ કરાવાશે. જયારે કુપોષીત બાળકોને ઉપયોગી બને તેવી એક હજાર કિટનું વિતરણ કરીને સેવાની જયોત પણ વધુ પ્રજવલીત બનાવાશે. આ પ્રકારના મોટાગજાના કાર્યક્રમના આયોજન સાથે જૈન સમાજની યુવા પ્રતિભાની સામાજીક રાજકિય આગેવાન તરીકેની છબી પણ ઉભી થઇને ઉભરી આવી છે.  સમગ્ર પ્રકલ્પના પાયાના પથ્થર બનનારા આયોજક માધાપર સમસ્ત જૈન સમાજના અધ્યક્ષ અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ એવા ભાજપના સહયોગ આપત્તિ રાહત અને સેવા વિભાગના પ્રદેશ સંયોજક હિતેશ હિંમતલાલ ખંડોરે સમસ્ત જૈન સમાજના સહયોગ વડે સામાજીક અને રાજકિય ક્ષેત્રે અલગ ઓળખ ઉભી કરી છે.  કચ્છના સામાજીક અને રાજકિય ક્ષેત્રે સિમાચિન્હરૂપ બની રહેનારા આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ એક મુલાકાતમાં હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે બન્ને કેન્દ્રનો પ્રારંભ ઐતિહાસિક અવસર બની રહેશે. તો જીવદયાના કાર્યો આવનારા કપરા સમયમાં રાહ ચિંધનારા બની રહેશે. શ્રી પાટિલની રજતતુલા માટે તેમના વજનને સમકક્ષ ચાંદીના ચોરસા ઉપલબ્ધ કરાયા છે. તો 140 ગામે મોકલવાની ગાડીઓ પણ તૈયાર રખાઇ છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer