અધ્યાપકોએ પહેરી કેસરી ટોપી

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ભરતીમેળાનો સિલસિલો યથાવત્ છે. ચૂંટણી પહેલાં ભાજપનો બુદ્ધિજીવી વર્ગને જોડવાનો પ્રયાસ છે. ડોક્ટર બાદ આજે 100થી વધુ અધ્યાપકો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ પ્રદેશ ભાજપે સમુદાય જોડો અભિયાન સંદર્ભે કમર કસી છે. અહીં નોંધવું ઘટે કે, અધ્યાપકો આગાઉ થોડા દિવસ પહેલાં 9 મેના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકિત તબીબો ભાજપમાં જોડાયા હતા. ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ તબીબો સહિત અન્ય ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. મહત્ત્વનું છે કે, 11 માર્ચે પ્રદેશ કાર્યાલય કમલમ્ પહોંચેલા વડાપ્રધાન મોદીએ હોદ્દેદારોની અગત્યની બેઠકમાં રાજ્યના તમામ સમુદાય વર્ગને ભાજપમાં જોડવા અપીલ કરી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે મળેલા ગુજરાતના સાંસદોને પણ ગુજરાતના અલગ અલગ સમુદાય વર્ગને ભાજપમાં જોડવા માટે અપીલ કરી હતી, જે બાદ ભાજપે આ ખાસ પ્રકારની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.