કચ્છની અસ્મિતા-પર્યાવરણ જાળવણીના આગ્રહી : મહારાઓ પ્રાગમલજી ત્રીજા

કચ્છની અસ્મિતા-પર્યાવરણ જાળવણીના આગ્રહી : મહારાઓ પ્રાગમલજી ત્રીજા
પુષ્પદાનભાઈ ગઢવી - રણજિત વિલાસ પેલેસનાં પ્રાંગણમાં મહારાઓ પ્રાગમલજી ત્રીજાની મૂર્તિનું અનાવરણ તથા ચાડવા રખાલ વિસ્તારમાં પંચ માતૃશક્તિ અને એકાવન શક્તિપીઠ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજવી પરિવારના નિકટના, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ મહારાવ પ્રાગમલજીનાં સંસ્મરણો આલેખ્યાં છે. કચ્છના  અંતિમ રાજવી મહારાઓ પ્રાગમલજી ત્રીજાનો જન્મ ભુજમાં તા. 3/5/1936ના થયો હતો. તે સમયે કચ્છના રાજવી તરીકે તેમના પરદાદા મહારાઓ ખેંગારજી ત્રીજાનું શાસન હતું. તેમનાં જીવન ઘડતરમાં-ઉછેરમાં તેમના પરદાદા, દાદા વિજયરાજજી બાવા, પિતા મદનસિંહજીનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. મહારાઓ પ્રાગમલજી ત્રીજાનું જીવન અતિ સાદગીભર્યું-સરળ હતું અને તેઓ સમયપાલનના અતિ આગ્રહી અને ઐતિહાસિક જૂની રૂઢિઓ, પ્રણાલિકાઓ અને કચ્છની અસ્મિતા અને કુદરતી પર્યાવરણની જાળવણી થવી જ જોઈએ તેના ચુસ્ત આગ્રહી હતા. કચ્છના પૂર્વ સાંસદ મ.કુ. હિંમતસિંહજી એક લેખમાં જણાવે છે કે, મહારાઓ પ્રાગમલજી ત્રીજાના નામ પૃથ્વીરાજસિંહ રાખવામાં આવે તેવું મહારાઓ ખેંગારજી ત્રીજાએ ફરમાવેલું અને તેઓ ભવિષ્યમાં જ્યારે  મહારાઓ તરીકે ગાદીએ બેસે તે વખતે તેઓનું બીજું નામ પ્રાગમલજી રાખવામાં આવે. મહારાઓ પ્રાગમલજી સાહેબને તેમનાં બાળપણનાં છ વર્ષ સુધીના ગાળામાં મહારાઓ ખેંગારજી બાવાનાં સાંનિધ્યમાં રહેવાનો અને ગળથૂથીના સુસંસ્કારો મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું અને આ રીતે તેઓના જીવનવિકાસ માટેના પાયાના સંસ્કારો પર તેમનાં વ્યક્તિત્વનો ખૂબ મોટો પ્રભાવ જોવા મળે છે. તેમને બાળપણમાં મળેલા સંસ્કારો અને તે વખતે જોયેલી, જાણેલી અને અનુભવેલી પારંપરિક રૂઢિઓ, રીતરિવાજો વિગેરેનો તેઓનાં જીવન, અનુશાસન અને વિચારો પર બહુ મોટો પ્રભાવ રહેલો અને જેઓએ તેમનાં જીવનમાં આવી પરંપરા, રૂઢિઓ, રીતરિવાજોનું ચુસ્તપણે પાલન પણ કરેલું. કચ્છના રાજવીઓ ચંદ્રવંશી હોઈ દર મહિનાની અજવાળી બીજના દિવસે કચ્છના રાજવી પોતાનાં દેવસ્થાનોની પૂજા દરબારગઢમાં આવેલી ટીલા મેડીમાં નિયમિત કરતા, જે પૂજાવિધિની જવાબદારીઓનું મહારાઓ પ્રાગમલજીએ ચુસ્તપણે પાલન કરેલું. સને 1971થી તેઓ સ્થાયી વસવાટ કરવા માટે કચ્છ પાછા આવ્યા, ત્યારથી તેઓ દેવ-દેવસ્થાનોની પૂજાવિધિ કરતી વખતે અસલ કચ્છી પાઘડી અને દેશી પોષાક જ પહેરતા હતા અને અન્યો સાથેની વાતચીતમાં મોટેભાગે કચ્છીમાં જ બોલતા અને અન્યો પણ તેઓની સાથે કચ્છીમાં જ વાત કરે તેવો આગ્રહ રાખતા હતા. કચ્છનાં મહારાણી પ્રીતિદેવીની ઈચ્છા અને આગ્રહને માન આપી તેઓએ પશુ-પંખીઓના શિકાર કરવાનું સદંતર બંધ કરેલું. સને 1991માં મહારાઓ મદનાસિંહજી સાહેબનું નિધન થતાં, મહારાઓ પ્રાગમલજીએ પોતાની તિલકવિધિની કાર્યવાહી જૂની રૂઢિ અને પરંપરાગત ચાલ્યા આવતા રીતરીવાજો મુજબ જ કરેલી.મહારાઓ ખેંગારજી પહેલાએ ગાદીનશીન થતી વખતે જે ઢોલિયા (રાજગાદી)નો ઉપયોગ કર્યો હતો, તે ઢોલિયા પર બેસીને ત્યારે પછીના રાજવીઓની તિલકવિધિ કરવામાં આવી હતી અને  તે પરંપરા અનુસાર જ મહારાઓ પ્રાગમલજી ત્રીજાએ પોતાની તિલકવિધિ આ જ ઢોલિયા કે, જે દરબારગઢમાં આવેલી ટીલા મેડીમાં છે, તે પર બેસીને કરી હતી. આ રીતે રાજવીની તિલકવિધિની કાર્યવાહી પૂરી થયા પછી રાજવી કચ્છનાં દેશદેવી આઈ આશાપુરાજીનાં મંદિરે દર્શન કરવા જાય અને ત્યાંથી મોટી પોશાળ જાગીરના અધ્યક્ષને વંદન કરવા તથા મોટી પોશાળમાં આવેલી અતિ પ્રાચીન સ્ફટિકની અંબાજીની મૂર્તિ તથા રાઓ ખેંગારજી પહેલાના સમયમાં આ પોશાળ પ્રથમ ગુરુ માણેક મેરજી તરફથી જે `સાંગ' આપવામાં આવેલી હતી,  તે `સાંગ'ની પૂજા કરવાનો જે રીવાજ હતો, તેનું પાલન, મહારાઓ પ્રાગમલજી સાહેબે પોતાની તિલકવિધિની કાર્યવાહી વખતે ચુસ્તપણે અમલ કર્યો હતો.કચ્છના રાજવી પોતાના કુળની પરંપરા અને રીતરિવાજો અનુસાર દર માગશર સુદ આઠમના (માહી આઠમ)ના રૂદ્રાણી માતાજીની પૂજા માટે સવારી લઈ પધારતા અને તે જ રીતે દર વર્ષ આસો સુદ 8 (નવરાત્રિના દિવસો) માતાના મઢ ખાતે આઈ આશાપુરાજીની મૂર્તિ સમક્ષ પોતાના હાથમાં પછેડી પહોળી રાખી, પતરી માટેની પૂજાવિધિ કરવામાં આવતી હતી અને આઈ રવેચી તથા જાડેજા કુળનાં કુળદેવી આઈ શ્રી મોમાયમાની પૂજાવિધિ કુળપરંપરા મુજબ દર વર્ષે કરવામાં આવતી હતી. આ તમામ પૂજાવિધિઓ મહારાઓ પ્રાગમલજીએ ચુસ્તપણે નિભાવી હતી. મહારાઓ પ્રાગમલજી સાહેબે તેમનું પ્રાથમિક શિક્ષણ ભુજ ખાતેના નિજી શિક્ષકો મારફતે અને ત્યારબાદ હાઈસ્કૂલનું શિક્ષણ દહેરાદુન ખાતે આવેલી `દુન' સ્કૂલમાં સને 1948થી 19પ4 સુધી પ્રાપ્ત કરેલું અને ત્યારબાદ તેઓએ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવેલું.રાજાશાહીના સમયમાં રાજ્યની પ્રણાલિકાઓ અને પરંપરા મુજબ રાજકુટુંબમાં જન્મેલા રાજવીના સૌથી મોટા પાટવી કુંવરને, તે જ્યાં સુધી રાજા બને ત્યાં સુધી પોતાના નિજી ખર્ચ માટે એક જાગીર આપવાનો રિવાજ હતો અને તે મુજબ તેમને કચ્છ રાજ્ય તરફથી ચાડવા રખાલ ગ્રાન્ટ કરવામાં આવી હતી. (ક્રમશ:) 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer