કાશ્મીરી પંડિતને ન્યાય : સેનાએ 24 કલાકમાં હત્યારાને ઠાર માર્યા

નવી દિલ્હી / શ્રીનગર, તા. 13 : જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યાના બીજા દિવસે આજે ભારતીય સેનાએ રાહુલ ભટ્ટની હત્યાનો બદલો 24 કલાકમાં જ લઇ?લીધો હતો અને બાંદીપોરામાં રાહુલની હત્યામાં સામેલ બે આતંકી સહિત ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. દરમ્યાન, બેફામ આતંકીઓએ પુલવામામાં એક એસપીઓનાં ઘરે ઘૂસીને તેની હત્યા કરી હતી. બડગામના ચાડૂરામાં ગઈ કાલે રાહુલ ભટ્ટની હત્યાને પગલે સમગ્ર ખીણ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. કાશ્મીરી પંડિતોએ માર્ગો પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. બડગામમાં દેખાવો દરમ્યાન પોલીસ સાથે ધક્કામુક્કી થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.  જો કે, સેનાએ પોતાનું વચન પાળ્યું હતું અને આજે ફૈસલ, સિકંદર અને ગુલઝાર અહેમદનો ખાત્મો બોલાવીને વેરની વસુલાત કરી હતી. ફૈસલ અને સિકંદર પાકિસ્તાનથી ભારતમાં ઘૂસ્યા હતા.ત્રાસવાદીઓએ આજે પુલવામાના ગુદૂરામાં એસપીઓ રિયાજ અહેમદ  થોકરનાં ઘરમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા રિયાઝને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. દરમ્યાન, આજે બનતાલાબમાં રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ જમ્મુના એડીજીપી મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર, ડેપ્યુટી કમિશનર અવની લવાસા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર રૈનાનો નારાજ લોકોએ વિરોધ કર્યો હતો. ગઈકાલથી જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં અને ઘણા સ્થળે ચક્કાજામ કર્યો હતો. ગઈ સાંજે લોકોએ શરૂઆતમાં ભટ્ટનો મૃતદેહ લઈ જવાનો ઈન્કાર કર્યો હતો અને પોલીસ મહાનિરીક્ષક સુજિત કુમારની કાર્યવાહીની ખાતરી બાદ  જ કર્મચારીઓ મૃતદેહ લઈ જવા સંમત થયા હતા. બારામુલા, કાઝીગંદ  અને મટ્ટનમાં લોકોએ દેખાવો કર્યા હતા. રાહુલ ભટ્ટનાં પત્નીએ જણાવ્યું હતું કે આતંકીઓએ ઓફિસમાં આવીને પૂછ્યું હતું કે રાહુલ ભટ્ટ કોણ છે અને પછી ગોળીઓ ચલાવી હતી. કાશ્મીરના આઈજીએ કહ્યું છે કે થોડા સમય પહેલા લશ્કર એ તોયબાના બે પાકિસ્તાની આતંકી ઘુસણખોરી કરીને ભારતમાં પહોંચ્યા હતા. બાંદીપોરામાં આ આતંકવાદીઓ સાથે જ સેનાની અથડામણ થઈ હતી. જો કે 11 મેના રોજ થયેલા ઓપરેશનમાંથી બન્ને આતંકી નાસી છુટયા હતા અને સાલિંદર વન ક્ષેત્રમા છુપાય ગયા હતા. જ્યારે એક ઠાર થયો હતો. આ નાસેલા આતંકી બરાર વિસ્તારમાં હોવાના ઈનપુટ મળ્યા હતા. જેને લઈને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. જેમાં ત્રણ આતંકી ઠાર થયા હતા.  ઠાર થયેલા આતંકીમાંથી ફૈસલ ગયા વર્ષે 10 ડિસેમ્બર અને 11 ફેબ્રુઆરીના ગુલશન ચોક અને નિશાત પાર્કમાં આતંકી હૈદર સાથે ત્રણ પોલીસ કર્મીની હત્યામાં સામેલ હતો. ઉપરાજ્યપાલ મનોજ સિંન્હાએ પણ થોડા સમય પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાહુલ ભટ્ટના પરિજનો સાથે મુલાકાત કરી છે. તેઓને ન્યાયનું આશ્વાસન આપવામાં આવ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer