અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતાં જ `ગરમાવો''
અંજાર, તા. 13 (રશ્મિન પંડયા દ્વારા) : અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી જૂન માસમાં યોજાશે, જેની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે અંજાર નગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું, જેમાં ઉમેદવારોએ તેમની ઉમેદવારીપત્ર માટે, તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત આગામી તા. 19/5 સુધી ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી પાસે દરખાસ્ત મૂકી શકાશે અને ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા તા. 26/5/22ના રોજ થશે. આ સમિતિમાં કુલ 13 બેઠકો પૈકી 1 બેઠક અનુસૂચિત જાતિ/અનુ. આદિ. જાતિ માટે, 3 બેઠક મેટ્રિકયુલેશન, દ્વિતીય વર્ષ શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા અથવા વધારે ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિઓ માટે, 1 બેઠક સરકારે નિમેલ સરકારી અધિકારી માટે તેમજ એક બેઠક સરકારે નિમેલ અન્ય વ્યક્તિ માટે અનામત રાખવામાં આવેલ છે તેમજ 7 બેઠકો બિનઅનામત રાખવામાં આવેલ છે, ઉલ્લેખનીય છે કે અંજાર નગર શિક્ષણ સમિતિના હોદ્દેદારોની વરણીમાં હમેંશા સત્તાપક્ષનો હાથ ઉપર રહ્યો છે. કારણ કે સતાપક્ષથી નજીકના વ્યક્તિને જ હમેંશા આ સમિતિમાં સભ્ય તેમજ મહત્ત્વના હોદ્દાઓ આપવામાં આવે છે એવું ભૂતકાળમાં પણ અનેક વખત બન્યું છે. ઉમેદવારી નોંધાવવા માટે મોઢું ધોઇને બેઠેલા મોટા ભાગના લોકો આ બાબતથી ખૂબ સારી રીતે અવગત છે, જેથી આ સમિતિમાં મહત્ત્વના હોદ્દા એવા ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે અત્યારથી જ લાબિંગ શરૂ થઇ જતાં શહેરના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે અંજાર શહેરના રાજકારણમાં સત્તાપક્ષ એવા ભાજપનો જૂથવાદ છૂપો નથી રહ્યો, ત્યારે વિવિધ જૂથો પોતાના મળતિયાઓને સાચવવા અને મહત્ત્વનો હોદ્દો અપાવવા મરણીયા પ્રયાસ કરશે, ત્યારે હવે જોવાનું રહ્યું કે કયા જૂથનો હાથ ઉપર રહેશે ? શહેરના બૌદ્ધિક વર્ગનું માનીએ તો અંજાર નગર શિક્ષણ સમિતિની રચના સંપૂર્ણપણે રાજકારણથી અલિપ્ત હોવી જોઈએ તેમજ તેમાં હોદ્દેદારોની પસંદગીમાં પણ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની નિમણૂક થાય તો આ સમગ્ર પ્રક્રિયા સાર્થક નીવડે. ઉલ્લેખનીય છે કે અગાઉની શિક્ષણ સમિતિ અનેક વાદ-વિવાદોથી ઘેરાયેલી રહી હતી અને તેની નીતિ રીતિઓ સામે અનેક શિક્ષકોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ત્યારે સમય રહેતા સત્તાપક્ષના મધ્યસ્થીના કારણે સમગ્ર મામલો માંડ થાળે પડ્યો હતો.આ સમિતિમાં હોદ્દાની મહેચ્છા ધરાવતા અનેક મૂરતીયાઓ અત્યારથી જ દોડતા થઇ ગયા છે અને પોતાની દાવેદારી મજબૂત કરવા અંજારના રાજકારણમાં મોટા માથા ગણાતાં અનેક રાજકારણીઓની શરણ લઇ રહ્યા છે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે શહેરની શિક્ષણ સમિતિમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની પસંદગી થાય છે કે પછી માત્ર શુદ્ધ રાજકારણીઓની?