1600 કિ.મી.ની કોસ્ટલ સાઈકલ રાઇડ આવતીકાલથી કોટેશ્વરથી શરૂ થશે

માંડવી, તા. 13 (જયેશ શાહ દ્વારા) : સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાઇકલપ્રેમી મિત્રો દ્વારા સમાજમાં લોકો પોતાના સારા સ્વાસ્થ્ય માટે સાઈકલ ચલાવે તેવા ઉદ્દેશ સાથે સાઈકલિંગને પ્રમોટ કરવા માટે અને તેની સાથે કચ્છ ગુજરાતના દરિયા કિનારાના પર્યટક સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જનજાગૃતિ કાર્યક્રમ કરવા 1600 કિ.મી. દરિયાકાંઠાની સાઇકલયાત્રાનું આયોજન કર્યું છે જેનો કોટેશ્વરથી આરંભ થશે.દરિયા કિનારાના ગામો-શહેરોમાં પસાર થનારી આ સાઈકલયાત્રા અંગે માંડવી સાઈકલ ક્લબના વિનયભાઇ ટોપરાણીએ પૂરક માહિતી આપતાં જણાવ્યું કે, આ સાઇકલયાત્રા તા. 14/5ના કોટેશ્વર (કચ્છ)થી સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. 30/5ના વલસાડ ખાતે વિરામ લેશે. જે દરમ્યાન ગુજરાતના દરિયાકાંઠાના 14 જિલ્લાઓના 49 તાલુકાઓમાંથી આ યાત્રા પસાર થશે. આ સાઈકલયાત્રા જે જિલ્લાઓ અને તાલુકાઓમાંથી પસાર થશે તે વિસ્તારમાં આવેલી સાઈકલ ક્લબો તથા સાઈકલપ્રેમીઓને આ સાહસવીરોને પોતના વિસ્તારમાં સહયોગી બનવા અપીલ કરવામાં આવી છે. રવિવારે સાંજે માંડવીના વિન્ડફાર્મ બીચની મુલાકાતે આ સાઈકલિસ્ટો આવશે. ત્યાંથી મુંદરા જવા રવાના થશે. આ યાત્રા દરમ્યાન જો કોઇ આર્થિક સહયોગ મળશે તો આ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વાપરવામાં આવશે. આ યાત્રામાં જોડાવવા માટે અથવા કોઇ સહયોગ આપવા મો. 90169 82199 (મિલન રાવલ), 90161 66584 (શૈલેન્દ્રસિંહ ગોહીલ)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer