ટપ્પર પાસે ખાનગી કંપનીમાંથી દોઢ લાખનાં સાધનો ચોરાયાં
ગાંધીધામ, તા. 13 :?અંજાર તાલુકાના ટપ્પર ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ઘૂસી તેમાંથી નિશાચરોએ રૂા. 1,50,000નાં સાધનોની ચોરી કરી હતી. 24 દિવસ અગાઉ બનેલો આ બનાવ ગઇકાલે પોલીસના ચોપડે ચડતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. ટપ્પર ગામ નજીક સર્વે નંબર 478/1 પ્લોટ?નંબર 4માં ગત તા. 14/4ના રાત્રે 12થી 2 વાગ્યાના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો. અહીં આવેલી વી. કે. ઓઇલ પ્રા. લિમિટેડ નામની પેઢીમાં રાત્રિના નિશાચરો ઘૂસી ગયા હતા. અંદર ઘૂસેલા તસ્કરોએ કંપનીમાંથી તાંબાના વાયર, પંપ, મોટર, એસ.એસ. વાલ્વ તથા ફિલ્ટર પ્રેસ ફ્રેમ વગેરે મળીને કુલ રૂા. 1,50,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. આટલી મોટી વસ્તુઓ ઉપાડી જનારા તસ્કરો કોઇ મોટું વાહન લઇને આવ્યા હોવાની આશંકા છે. ચોરીના આ બનાવ અંગે ટપ્પરના શામજી રાધા ચૈયા (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 24 દિવસ અગાઉ બનેલો આ બનાવ ગઇકાલે પોલીસના ચોપડે ચડતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા.