પલાંસવામાં મહિલાનાં માથાંમાં ધોકો ફટકારી લૂંટની કોશિશથી ચકચાર
ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાના પલાંસવા ગામમાં પોતાના ઘરે બેઠેલા એક મહિલાનાં માથામાં કપડાં ધોવાના ધોકા વડે હુમલો કરી પાડોશમાં ભાડાંનાં મકાનમાં રહેનારી મહિલાએ લૂંટની કોશિશ કરી હતી.અમદાવાદ જિલ્લાના દસક્રોઇમાં રહેતા નયનાબેન વિક્રમસિંહ બળવંતસિંહ મકવાણા (જોગુ) અને તેમના પતિનું મૂળ વતન રાપર તાલુકાનું પલાંસવા ગામ છે. આ પરિવાર કોઇ સામાજિક પ્રસંગે પોતાના વતનમાં આવતો હોય છે. ગત તા. 11/5ના ગામના અરજણ ભૂરાભાઇ ટાંકના દીકરા રાહુલના લગ્ન હોવાથી આ ફરિયાદી તેમના પતિ, સાસુ, દીકરો અહીં આવ્યા હતા. બનાવની રાત્રે લગ્નમાં દાંડિયારાસનો પ્રસંગ હોવાથી આ ફરિયાદી મહિલા લગ્નવાળા ઘરે જમીને ગરબા રમવા માટે પોતાના ઘરે તૈયાર થવા આવી રહ્યા હતા તે દરમ્યાન તેમણે પોતાની બહેનને ફોન કરી ઘરે આવવા કહ્યું હતું.જોગુવાસમાં રહેતા આ મહિલા એકલા પોતાના ઘર બાજુ આવી રહ્યા હતા ત્યારે તેમના કાકાસસરાના મકાનમાં એકાદ વર્ષથી ભાડે રહેનારી ગૌરીબેન સદાણી ફરિયાદીના ઘરના પગથિયાં ઉપર બેઠી હતી અને તેનો પતિ છત ઉપર ઊભો હતો. આ ફરિયાદીને આવતાં જોઇને ગૌરીબેન ઊભી થઇ તેના ઘરે જતી રહી હતી.ફરિયાદી નયનાબેન પોતાના ઘરે જઇ હાથ-પગ ધોઇ પાછળનો દરવાજો ખોલી બેઠા હતા અને ફરીથી પોતાની બહેનને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં તેઓ મોબાઇલ જોઇ રહ્યા હતા ત્યારે કોઇએ તેમનાં માથામાં ફટકો માર્યો હતો. ફરિયાદી પાછળ વળીને જોતાં ગૌરીબેન સદાણી હતા. આ દરમ્યાન, આરોપીએ ફરીથી કપડાં ધોવાના ધોકા વડે બે વખત ફરિયાદીનાં માથાં પર હુમલો કર્યો હતો. નયનાબેન ઊભા થઇને ધોકો પકડવા જતાં આરોપીએ ફરિયાદીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, સોનાના બે હાર પકડી તે લૂંટવાની કોશિશ કરી હતી. નયનાબેને આ આરોપીને ધક્કો મારી ઘરથી બહાર નીકળી રાડારાડ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. બાદમાં તેમના પતિ અને સાસુ વગેરે આવી ગયા હતા અને તેમને સારવાર અર્થે લઇ?જવાયા હતા. તેમને માથાંમાં 15થી 16 ટાંકા આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. લૂંટની કોશિશના આવા બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.