વરસાણા પાસે એક દુકાનમાંથી ત્રણ કિલો ગાંજા સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક વરસાણા ત્રણ?રસ્તા પાસે આઇ.ઓ.સી. પેટ્રોલ પમ્પની સામે આવેલી એક દુકાનમાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ છાપો માર્યો હતો. ભાડાંની આ દુકાનમાંથી  રૂા. 35,380ના 3 કિલો 538 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની અટક કરવામાં આવી હતી. તેનો સાથીદાર તથા ગાંજો આપનારા શખ્સો હાથમાં આવ્યા નહોતા.વરસાણા ત્રણ રસ્તા (ચોકડી) નજીક ત્રિપુરેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં મૂળ ત્રિપુરાનો અમીર હુશેન અલિ હુશેન નામનો શખ્સ માદક પદાર્થ ગાંજો વેચતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જીની ટુકડી વરસાણા ત્રણ રસ્તા પાસે પહોંચી ગઇ હતી. અહીં અંજાર બાજુ જતા માર્ગ ઉપર આવેલા ત્રિપુરેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં હાજર અમીર હુશેન પોતે ગાંજો વેચતો હોવાનું જણાવીને પોલીસે દુકાનની તલાશી લીધી હતી.કરિયાણાની આ દુકાનમાં રહેલા ફ્રીઝ પાસે એક થેલીની તલાશી લેવાતાં તેમાં લીલા રંગના વનસ્પતિજન્ય પાંદડા, ફૂલ તથા બી સાથેની ડાળખી ભરેલા જણાયાં હતાં. લીલા રંગનો આ ભીનો સૂકો પદાર્થ ગાંજો જણાતાં એફ.એસ.એલ. અધિકારીને બોલાવાયા હતા. પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ અમીર હુશેનની પૂછપરછ કરાતાં તેનો સાથીદાર જવાહરદાસ હિમાંશુદાસ આ ગાંજો લઇ આવતો હોવાનું તેણે કબૂલ્યું હતું અને બાદમાં આ બંને પોતાના ગ્રાહકોને વિજાણુ કાંટાથી વજન કરી પ્લાસ્ટિકની થેલીમાં આપતા હતા. ગાંજાનો આ જથ્થો ગાંધીધામ એફ.સી.આઇ. રેલવે પાટા ઝૂંપડાંમાં રહેનારો પિન્ટુ વેદાનંદ યાદવ નામનો શખ્સ તેમને આપી જતો હોવાની કેફિયત આપી હતી. રૂા. 35,380નો ગાંજો જપ્ત કરાયો હતો તે દુકાન નંદ ગામનાં ધનજી આહીરની છે અને આ બંને શખ્સોએ તે ભાડે લઇ પ્રોવિઝન સ્ટોરની આડમાં અહીં ગાંજાનો વેપાર કરતા હતા. પકડાયેલા અમીર હુશેન પાસેથી ગાંજો, વજન કાંટો, પ્લસ્ટિકની 90 થેલી, મોબાઇલ, ગાંજો વેંચીને ભેગા કરાયેલા રૂપિયા વગેરે મળીને કુલ્લ રૂા. 41,080નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા જવાહરદાસ તથા પિન્ટુ યાદવને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer